ભારતીય જનતા પાર્ટીએ નંદીગ્રામથી ધારાસભ્ય અને એક સમયે મમતા બેનર્જીની નજીક રહેલા શુભેંદુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે. ભાજપના આ નિર્ણય બાદ શુભેંદુ અધિકારીએ કહ્યું હું રાજ્યના તમામ લોકોની આશા પૂર્ણ કરવા માટે કામ કરીશ. હું સરકારને સકારાત્મક પ્રયાસ માટે મદદ કરીશ, પરંતુ રાજ્યમાં થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવીશ.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે ટ્વિટ કરી કહ્યું કે આજે પશ્ચિમ બંગાળના નવા નિર્વાચિત ભાજપ ધારાસભ્યની દળની બેઠકમાં નંદીગ્રામથી જીતેલા શુભેંદુ અધિકારીને સર્વાનુમતે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ સમયે કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને મહામંત્રી ભૂપેંદ્ર યાદવ ઉપસ્થિત રહ્યા.
શુભેંદુ અધિકારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક પરથી 1956 મતથી હરાવ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે આવ્યું છે. કુલ 292 બેઠકોમાંથી ટીએમસીએ 213 બેઠકો પર જીત મેળવી હતી. 2016ની ચૂંટણીમાં ટીએમસીને 211 બેઠકો પર જીત મળી હતી. ભાજપના ખાતામાં 77 બેઠકો આવી છે. જ્યારે બે બેઠકો પર અન્યની જીત થઈ છે.
ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા પર બિરાજમાન થઈ ગયા છે. મમતા બેનર્જીની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા. આ તરફ બંગાળના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ભાજપ 3 બેઠકોથી વધીને 77 બેઠકો સુધી પહોંચ્યું છે અને મુખ્ય વિપક્ષી દળ બન્યું છે.
નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને માત આપનારા શુભેન્દુ અધિકારીનું રાજકીય કદ ખૂબ જ વધી ગયું છે. અધિકારીના વ્યક્તિત્વ અને નેતૃત્વની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. પાર્ટીના એક જૂથનું એવું માનવું છે કે, ભારે વિજય સાથે સત્તામાં પરત આવેલી ટીએમસી સામે લડવા શુભેન્દુ અધિકારી સક્ષમ રહેશે પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં ભાજપને ભવ્ય વિજય નથી અપાવી શક્યા જેની પાર્ટીને આશા હતી.