ઉત્તરપ્રદેશના ભાજપના લોકસભા સાંસદ બ્રિજભૂષણ સિંહે MNS પ્રમુખ રાજ ઠાકરેને ઉત્તરપ્રદેશમાં પ્રવેશતા અને અયોધ્યા જતા પહેલા ઉત્તર ભારતીયોની માફી માંગવા કહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ રાજ ઠાકરેને  ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પણ મળવા દેશે નહીં. બ્રિજભૂષણ સિંહના કહેવા પ્રમાણે રાજ ઠાકરેએ ઉત્તરભારતીયો વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા.


કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે રાજ ઠાકરે પર એક બાદ એક ટ્વીટ કરીને  પ્રહારો કર્યા અને રાજ ઠાકરે  ઉત્તર ભારતીયોનું અપમાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવીને માફીની માંગણી કરી. તેમણે ટ્વીટ કર્યું કે, ઉત્તર ભારતીયોને અપમાનિત કરનારા રાજ ઠાકરેને અયોધ્યાની સરહદમાં પ્રવેશવા નહીં દઈએ. અયોધ્યા આવતા પહેલા રાજ ઠાકરેએ તમામ ઉત્તર ભારતીયોની હાથ જોડીને માફી માંગવી જોઈએ.


બીજેપી સાંસદે એબીપી સાથેની વાતચીતમાં ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે જો રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી માંગ્યા વિના અયોધ્યા આવશે તો તેઓ તેમને અયોધ્યામાં પ્રવેશવા દેશે નહીં. બ્રિજભૂષણ શરણ સિંહે એ પણ કહ્યું છે કે ભગવાન રામ ઉત્તર ભારતીય હતા અને તેમના વંશજોને રાજ ઠાકરેએ માર માર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર આંદોલનમાં ઠાકરે પરિવારની કોઈ ભૂમિકા નથી.


2008 થી જોઈ રહ્યો છું  : બ્રિજભૂષણ સિંહ
બ્રિજભૂષણ સિંહે કહ્યું કે મેં યોગીજીને વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ માફી નહીં માંગે ત્યાં સુધી યોગીજીએ  તેમને મળવું  પણ ન જોઈએ.હું 2008થી જોઈ રહ્યો છું. તેમણે મરાઠી માનુષનો મુદ્દો ઉઠાવ્યો. મુંબઈના વિકાસમાં અન્ય લોકોનો ફાળો 80 ટકા છે.


મુંબઈમાં લાગ્યા આ પોસ્ટરો 
રાજ ઠાકરેએ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. આ દરમિયાન મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચલો અયોધ્યાના પોસ્ટર જોવા મળ્યા છે. MNS સુપ્રીમો રાજ ઠાકરે જૂન મહિનામાં અયોધ્યાની મુલાકાત લેશે. આ પોસ્ટરમાં લોકોને રાજ ઠાકરેને સમર્થન આપવાનું કહેવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.