નવી દિલ્હી: દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારોમાં હિંસક પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું, કોઈ ફરક પડતો નથી કે એ માણસ કોણ છે, ભલે તે કપિલ મિશ્રા હોય કે પછી અન્ય કોઈ જો એ વ્યક્તિ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ દરમિયાન તેઓ હિંસા કરનારા લોકો પર ભડક્યા હતા. દિલ્હીમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં એક કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.

ગૌતમ ગંભીરે કહ્યું, કપિલ મિશ્રા હોય કે કોઈ અન્ય પાર્ટીના નેતાઓ હોય, જો તમે ભડકાવવા માટે ભાષણ આપશો તો તે યોગ્ય નથી. તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હું એ ક્યારેય નહી સ્વીકારીશ કે લોકોને ભડકાવવા માટે ભાષણ આપવામાં આવે.


ગૌતમ ગંભીરે કહ્યું, જ્યાં સુધી શાહીન બાગમાં શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું હતું, અમે એમ જ કહી રહ્યા હતા કે આ તમારો અધિકાર છે. અમે એેમ પણ કહ્યું હતું કે તમને કોઈ શંકા હોય તો સરકાર પાસે આવી તેની વાત કરો. સરકારની જવાબદારી છે કે તમારી શંકા દૂર કરે. પરંતુ જો તમને એક યોજના મુજબ અમેરિકી રાષ્ટ્રપતિની હાજરીમાં દુનિયાને સંદેશ મોકલવા માંગો છો કે દિલ્હી સુરક્ષિત નથી તો એ સ્વીકાર્ય નથી.

ભાજપના નેતા કપિલ મિશ્રાએ નિવેદન આપ્યું હતું કે, દિલ્હી પોલીસ ત્રણ દિવસની અંદર રસ્તો ખાલી કરાવે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પતે ત્યાં સુધી અમે અહીંથી શાંતિપૂર્વક જઈ રહ્યા છીએ, પરંતુ ત્રણ દિવસમાં રસ્તો ખાલી ન થયો, અમે ફરીથી રસ્તા પર ઉતરી જશું. ત્યારબાદ અમે દિલ્હી પોલીસનું પણ નહીં સાંભળી. કપિલ મિશ્રાના નિવેદન બાદ હિંસા ભડકી ઉઠી હતી.