નવી દિલ્લીઃ વડા પ્રધાન નરેંદ્ર મોદીએ શનિવારે દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. કોરોનાની રસી સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને અપાઈ હતી. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરીયર્સને રસી અપાવાની છે.


આશ્ચર્યજનક રીતે દેશના રાજકારણીઓ રસી લેવાથી દૂર રહ્યા છે. તેના કારણે રાજકારણીઓ ડરી રહ્યા હોવાની ટીકા થઈ રહી છે ત્યારે ભાજપના સાંસદ મહેશ શર્માએ શનિવારે સૌથી પહેલાં કોરોનાની રસી લીધી હતી. ભાજપના સાંસદોમાં ડો. મહેશ શર્મા એક માત્ર સાંસદ છે કે જેમણે કોરોનાની રસી લેવાની હિંમત બતાવી છે. ડો. શર્મા એમબીબીએસ ડોક્ટર છે તેથી હેલ્થ વર્કર તરીકે તેમણે રસી લીધી છે.

ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કોરોના રસી લીધી છે. તેમને નેતા તરીકે નહીં પણ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે રસી આપવામાં આવી છે એવી સ્પષ્ટતા કરાઈ છે. આ રીતે એમબીબીએસ ડોક્ટર શર્મા કોરોના વાયરસની રસી લેનાર દેશના પ્રથમ સાંસદ બની ગયા છે. તેમને શનિવારે સવારે 11 વાગ્યે કૈલાશ હોસ્પિટલમાં રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ એમબીબીએસ અને એમએસ થયેલા છે પણ તેમણે રસી લેવાનું ટાળ્યું છે.

(ફાઇલ તસવીર)