લખનઉ: ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ રીટા બહુગુણા જોશી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સાંસદને ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રીટા બહુગુણા જોશીને લખનઉની એસજીપીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ યોગી સરકારનાં લઘુમતી બાબતોનાં રાજ્ય મંત્રી મોહસીન રઝા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. યૂપી સરકારના ઘણા મંત્રીઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. યોગી સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સિવાય કેબિનેટ મંત્રી સતીશ મહાના અને મંત્રી મોહસિન રઝાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યૂપી સરકારના બે મંત્રીઓના નિધન પણ કોરોના વાયરસના કારણે થયા છે. જેમાં કેબિનેટ મંત્રી કમલ રાની વરૂણ અને ચેતન ચૌહાણના નામ સામેલ છે.

રીટા બહુગુણા જોશી યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથના સંપર્કમાં આવ્યા હતા. સિદ્ધાર્થનાથ સિંહે કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોતાને ક્વોરન્ટાઈન કર્યા હતા. પ્રયાગરાજમાં સાંસદના સમર્થકો બેચેન છે, લોકો તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. રીટા બહુગુણા જોશીના સંપર્કમાં રહેનારા લોકો પણ હવે કોરોના ટેસ્ટ કરાવશે.