ભાજપે આજે યુપીમાં 85 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અસીમ અરુણને કન્નૌજથી, અદિતિ સિંહને રાયબરેલીથી, નીતિન અગ્રવાલને હરદોઈથી, રિયા શાક્યને બિધુનાથી ટિકિટ આપવામાં આવી છે. 85 ઉમેદવારોમાંથી 15 મહિલાઓ છે. અસીમ અરુણ કાનપુરના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ કેડરના 1994 બેચના IPS અધિકારી અસીમ અરુણે કાનપુરના પોલીસ કમિશનર તરીકે સેવા આપતા તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હતી. આ પછી, 16 જાન્યુઆરીએ અરુણ ભાજપમાં જોડાયા.



રામવીર ઉપાધ્યાયને સાદાબાદથી ટિકિટ આપવામાં આવી છે. હરિ ઓમ યાદવને સિરસાગંજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામવીર ઉપાધ્યાય તાજેતરમાં જ બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ હરિ ઓમ યાદવ સપામાંથી ભાજપમાં આવ્યા છે. પાર્ટીએ ફરી એકવાર રાજ્ય સરકારમાં મંત્રી સતીશ મહાનાને મહારાજપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.


બીજેપીની યાદી બહાર આવ્યા પછી, સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022 માટે આજે જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ભાજપના દરેક કાર્યકર્તા દ્વારા કરવામાં આવતી 'જનસેવા'નો પ્રસાદ હવે 'જનવિશ્વાસ' તરીકે પ્રગટ થઈ રહ્યો છે. તમારા બધાનો વિજય નિશ્ચિત છે.


ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં 194 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત 107 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ પછી પાર્ટીએ બરેલી જિલ્લાની વધુ બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી.


ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ ગઠબંધનની સ્પર્ધા મુખ્યત્વે સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ સાથે છે.


2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળી હતી. ભાજપે 312 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીને 47, બસપાને 19, અપના દળ (ADAL)ને 9, કોંગ્રેસને સાત, SBSPને ચાર, નિંશાદને એક, RLDને એક બેઠક મળી હતી. ત્રણ અપક્ષ ઉમેદવારોને પણ સફળતા મળી હતી.