અગરતલાઃ ત્રિપુરામાં માણિક સાહાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. સોમવાર (6 માર્ચ) ના રોજ માણિક સાહાને સર્વસંમતિથી ધારાસભ્યોના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. માણિક સાહા ઉપરાંત રતન લાલ નાથ, સાંતના ચકમા અને સુશાંતા ચૌધરી અને ટિકુ રૉયે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) ની આગેવાની હેઠળના વિરોધ પક્ષોએ કહ્યું કે તેઓ રાજ્યની બીજી ભાજપ સરકારના મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કરશે. એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ આ વખતે ત્રિપુરામાં મહિલાને મુખ્યમંત્રી બનાવી શકે છે અને પ્રતિમા ભૌમિકનું નામ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાઈ રહ્યું હતું. પરંતુ તમામ અટકળોનો અંત આવ્યો હતો.
બીજેપી નેતાએ કહ્યું કે આ પ્રથમ વખત છે કે જ્યારે છેલ્લા ત્રણ દાયકામાં પૂર્વોત્તર રાજ્યમાં ડાબેરી વિરોધી સરકારે સત્તા જાળવી રાખી છે. અમે આશા રાખીએ છીએ કે ભાજપ 2.0 સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. 1988માં કોંગ્રેસ-TUJSએ ડાબેરી પક્ષને હરાવીને અહીં સરકાર બનાવી, પરંતુ 1993માં સામ્યવાદીઓ દ્વારા તેનો પરાજય થયો.
બીજેપી અને આઈપીએફટીની સંયુક્ત વિધાયક દળની બેઠકના નેતા તરીકે ચૂંટાયાના બે કલાક પછી ડૉ. માણિક શાહ 6 માર્ચે અગરતલામાં રાજ્યપાલને મળ્યા હતા.
60 સભ્યોના ગૃહમાં ભાજપને 32 બેઠકો મળી હતી.
ત્રિપુરામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60 સભ્યોના ગૃહમાં 32 બેઠકો જીતી હતી જ્યારે તેના સહયોગી IPFT એક બેઠક મેળવવામાં સફળ રહી હતી. 81.1 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 60 વિધાનસભા બેઠકો પર કુલ 259 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને આઈપીએફટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપે 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે તેના સહયોગી IPFTએ 5 બેઠકો પર ચૂંટણી લડી હતી.
આ સિવાય કોંગ્રેસ-ડાબેરીઓમાં બેઠકો અંગેની સમજૂતી હેઠળ ડાબેરી મોરચાએ 43 બેઠકો અને કોંગ્રેસે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ સિવાય કોંગ્રેસ અને ડાબેરીઓએ એક બેઠક પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું હતું. જ્યારે પ્રદ્યોત બિક્રમની નવી પાર્ટી ટિપરા મોથાએ રાજ્યની 60 બેઠકોમાંથી 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે મમતા બેનર્જીની ટીએમસીએ પણ રાજ્યની 28 બેઠકો પર ચૂંટણી લડી હતી.