નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષા વધારવામાં આવી છે. કૈલાશ વિજયવર્ગીયના કાફલામાં હવે બુલેટપ્રૂફ કાર રહેશે અને સાથે જ સુરક્ષાકર્મીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વિજયવર્ગીયને પહેલાથી જ Z કેટેગરીની સુરક્ષા મળી છે.


ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જ્યારે કોલકતાથી દક્ષિણ 24 પરગણા જિલ્લા ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલા સાથે જઈ રહેલા કૈલાશ વિજયવર્ગીયની ગાડી પર હુમલો થયો હતો. આ મામલે કેંદ્રીય ગૃહમંત્રાલયનું ખૂબ જ કડક વલણ જોવા મળ્યું હતું.



ગૃહ મંત્રાલયે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ પ્રમુખને સમન્સ જાહેર કરી કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સામે રજૂ થઈ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાના સંબંધમાં સ્પષ્ટતા આપવાનું કહ્યું હતું. પરંતુ મમતા બેનર્જી સરકારે તે સમન્સને ફગાવી દિધુ હતું.

કૈલાશ વિજયવર્ગીય સતત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા રહે છે. કૈલાશ વિજયવર્ગીયે રવિવારે જ કહ્યુંકે રાજ્યમાં વર્તમાન રાજનીતિક હિંસા અને આતંકના માહોલ પર પૂર્ણ વિરામ લગાવવા માટે બંગાળમાં તાત્કાલિક કેંદ્રીયદળને તૈનાત કરવામાં આવવું જોઈએ.