નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના જવાબમાં ભાજપ આ કાયદાને લઈને દેશભરમાં જન જાગરણ અભિયાન શરૂ કરશે. ભાજપ કાર્યકર્તા, નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને નાગરકિતા સંશોધનન કાયદા વિશે માહિતી આપશે. ખુદ ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં ઘરે ઘરે સંપર્ક કરીને અભિયાનની શરૂઆત કરાવશે. જ્યારે જેપી નડ્ડા ગાઝિયાબાદ, રાજનાથ સિંહ લખનઉમાં, નિતિન ગડકરી નાગપુરમાં અને સ્મૃતિ ઇરાની ગુડગાંવમાં ઘર ઘર સંપર્ક કરશે.

આ જ રીતે કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ભાજપના નેતાઓ દેશના અલગ અલગ શહેરમાં જવાબદારી સોંપવામાં આવી છે. મહાસચિવ અનિલ જૈને કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને જે રીતે કૉંગ્રેસના નેતૃત્વમાં કેટલાક પક્ષો દ્વારા ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે અને હિંસા-તણાવ ઉત્પન્ન કરવાની રાજનીતિ કરી રહ્યાં છે. તે તમામ ગેરસમજણને દૂર કરવા માટે ભાજપ દેશવ્યાપી જન જાગરણ અભિયાન હાથ ધર્યું છે.

ભાજપના જન જાગરણ અભિયાનનો પ્રારંભ 5 જાન્યુઆરી 2020થી થશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી, ભાજપના તમામ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓ એક સાથે કાર્યક્રમની શરૂઆત કરશે. સીએએના સમર્થન માટે ભાજપે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે અને તેના પર મિસ્ડ કૉલ કરીને સમર્થન આપવાની અપીલ કરી છે.