અમરાવતી: આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં પથ્થરની ખાણમાં એક મોટો વિસ્ફોટ થવાના કારણે 10 મજૂરોના મોત થયા છે. એક તપાસ અધિકારીએ ફોન પર જણાવ્યું કે તમામ મૃતક ઓરિસ્સાના રહેવાસી છે અને ખાણમાં કામ કરવા અહિંયા આવ્યા હતા.
આ વિસ્ફોટ એ સમયે થયો જ્યારે અલુરૂ મંડળના હાથી બેલગલમાં ખાણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીએ કહ્યું, આ વિસ્ફોટ પથ્થર તોડવા માટે ઉપયોગમાં લેવાતા જિલેટિનમાં થયો. વિસ્ફોટના સમયે આશરે 20 મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટના કારણે મજૂરો ત્યા અંદર જ ફસાઈ ગયા હતા.
તેમણે કહ્યું વિસ્ફોટમાં આશરે 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાણમાં જીવતા બચેલા લોકોની તપાસ ચાલુ છે. આ ઘટના પર મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ અને વિપક્ષ નેતા વાઈ એસ જગમોહન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો છે.