જમ્મુઃ જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર નજીક બે મિનિટમાં થયેલા બે ઉપરાછાપરી વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. આ બોમ્બ વિસ્ફોટના પગલે નેશનલ બોમ્બ સેન્ટરના એક્સપર્ટ્સ અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અપાઈ છે. બીજી તરફ એનડીટીવીના અહેવાલમાં દાવો કરાયો છે કે, એરપોર્ટમાં કરાયેલો આ હુમલો ડ્રોન એટેકે છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે નરવાલ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કિલો IED જપ્ત કરવામાં આવ્યું છે. આ આતંકવાદીનું જમ્મુના બ્લાસ્ટ સાથે કોઈ કનેક્શન છે કે કેમ તેની તપાસ હજુ ચાલી રહી છે.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર પાસે વહેલી સવારે બે વાગ્યો 5 મિનિટના અંતરે બે વિસ્ફોટ થયા હતા. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે પ્રથમ વિસ્ફોટ કમ્પાઉન્ડ બિલ્ડિંગની છત પર અને બીજો નીચે થયો હતો. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વાયુસેનાએ જણાવ્યુ છે કે વિસ્ફોટમાં માત્ર છત જ ડેમેજ થઈ છે અને અન્ય કોઈ નુકશાન થયું નથી.
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે લો-ઇંટેંસિટીના વિસ્ફોટ થયા હતા. એક વિસ્ફોટમાં બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે, જ્યારે અન્ય એક વિસ્ફોટ જમીન પર થયો હતો, પરંતુ તેમાં પાક કોઈ નુકશાન થયું નથી.
આ વિસ્ફોટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બની છે તે જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારની નજીક ભારતીય વાયુ સેનાનું સ્ટેશન હેડક્વાર્ટર પણ છે. જમ્મુનું મુખ્ય એરપોર્ટ પણ આ કેમ્પસમાં જ આવે છે. એરફોર્સ, નેવી અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.