Blast in Tamil Nadu: તમિલનાડુમાં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમિલનાડુના શિવાકાશી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. વિરુધુનગરના જિલ્લા કલેક્ટર જયસેલને જણાવ્યું કે, શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકોના મોત થયા છે.






વિસ્ફોટમાં ઘણા લોકો દાઝી ગયા હતા


ADTVના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસે કહ્યું કે તેઓ વિસ્ફોટનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. શિવકાશીને ભારતમાં ફટાકડા બનાવવાનું કેન્દ્ર કહેવામાં આવે છે. દેશના ફટાકડા, સેફ્ટી માચિસ અને સ્ટેશનરી વસ્તુઓના કુલ ઉત્પાદનમાં પણ આ સ્થળનો મોટો હિસ્સો છે.


જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ શિવકાશીના સેંગમલપટ્ટી વિસ્તારમાં થયો હતો. ગુરુવારે બપોરે લગભગ 3.45 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.


કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે


કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ચાલી રહ્યું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોને ત્યાંથી બચવાનો મોકો મળ્યો ન હતો. આ પહેલા ફેબ્રુઆરી 2024માં પણ તમિલનાડુના રામુથેવનપટ્ટીમાં ફટાકડાની ફેક્ટરીમાં 10 લોકોના મોત થયા હતા. તે સમયે ફટાકડા ફેક્ટરીના કર્મચારીઓ ફેન્સી ફટાકડા માટે કેમિકલ ભેળવી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.


ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દરેક પીડિત પરિવાર માટે 3 લાખ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી હતી.  


પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કાર્યમાં લાગી ગયા છે. ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી એકની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે.