લુધિયાણાની એક કોર્ટમાં ગુરુવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં બે વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. બ્લાસ્ટ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરના ત્રીજા માળે થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. વિસ્ફોટ પરિસરના ત્રીજા માળ પર થયો છે. વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાયું નથી. એક રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ લુધિયાણા કોર્ટની કોપી બ્રાન્ચમાં થયો છે. હાલમાં કોર્ટમાં વકીલોની હડતાળ ચાલી રહી છે એટલા માટે કોર્ટમાં વધુ ભીડ નહોતી.





લુધિયાણા બ્લાસ્ટ પર પંજાબ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું નિવેદન આપ્યું છે. તેમણે આ ઘટનાને કાવતરું ગણાવી કહ્યું કે દોષિતોને છોડવામાં નહી આવે. ચન્નીએ કહ્યું કે આ ઘટનાની જાણકારી મેળવવા માટે લુધિયાણા જઇ રહ્યો છું. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે કેટલાક દેશ વિરોધી તાકાતો દ્ધારા આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી છે. લોકોએ સાવચેત રહેવું જોઇએ.







નોંધનીય છે કે હજુ એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ વિસ્ફોટ કોઇ બ્લાસ્ટ છે કે પછી સિલેન્ડર બ્લાસ્ટ થયો છે.  કોર્ટ પરિસરમાં વિસ્ફોટને લઇને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. આ સાથે જ પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિસ્ફોટ ચૂંટણીમાં મુદ્દો અને તે અગાઉ તણાવનું કારણ બની શકે છે. આ વિસ્ફોટ પંજાબમાં વિધાનસભા ચૂંટણી અગાઉ માહોલ ખરાબ કરવાનો પ્રયાસ પણ હોઇ શકે છે.