બોમ્બે હાઈકોર્ટે 7 ઓગસ્ટે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 498A (પતિ અને સંબંધીઓ દ્વારા પત્ની સાથે ક્રૂરતા)ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ એએસ ગડકરી અને નીલા ગોખલેની ખંડપીઠે વૈવાહિક ક્રૂરતાનો ભોગ બનેલા પીડિતાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને એમ પણ કહ્યું કે કલમ 498Aનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોર્ટે કહ્યું હતું કે "દાદા-દાદી અને પથારીવશ લોકોને પણ આવા કેસોમાં ફસાવવામાં આવે છે.






હાઈકોર્ટે વધુમાં કહ્યું કે જો આઈપીસીની કલમ 498A હેઠળના ગુનાને સમાધાન યોગ્ય બનાવવામાં આવે તો હજારો કેસ ઉકેલી શકાય છે. કોર્ટે પત્ની અને તેના પતિ, સાસુ અને નણંદ વચ્ચેના સમાધાન પછી કલમ 498A કેસને રદ કરવાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.


ન્યાયાધીશોએ વધુમાં જણાવ્યું હતું કે કલમ 498A હેઠળ નોંધાયેલા હજારો કેસો, જે રાજ્યભરની વિવિધ અદાલતોમાં પડતર છે. જો કેન્દ્ર સરકાર એ બાબત પર પોતાનું વલણ સ્પષ્ટ કરે કે શું આ જોગવાઇ હેઠળ ગુનાઓને સમાધાન યોગ્ય બનાવી શકાય છે.


જો કે, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ડીપી સિંહે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો. આ પછી ન્યાયાધીશોએ કેસની સુનાવણી 22 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે.


IPCની કલમ 498A શું છે?


ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A પત્ની પ્રત્યે ક્રૂરતાના ગુના સાથે સંબંધિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પતિ અથવા તેના સંબંધીઓ દ્ધારા પત્ની પર ક્રૂરતા આચરવી, પત્નીને શારીરિક અને માનસિક પીડા આપવી અથવા તેની અથવા તેના સંબંધીઓ પર મિલકતની ગેરકાયદેસર માંગ પૂરી કરવા માટે દબાણ કરવું એ સજાપાત્ર ગુનો છે. આ ગુનાની સજા ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે.


દેશભરની અદાલતોએ પણ આ કલમના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણા કિસ્સાઓમાં અદાલતોએ આ કલમનો દુરુપયોગ અટકાવવા પગલાં લીધા છે.