કોરોના મહામારી વચ્ચે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-અજહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ મોકા પર મોટાભાગના લોકોએ ઘરમાં જ નમાજ પઢી હતી. બકરી ઈદ પર સામાન્ય રીતે જોવા મળતી હિલચાલ કે રોનક ન જોવા મળી. અમદાવાદની જામા મસ્જિદમાં કોવિડ ગાઈડલાઈન સાથે મુસ્લિમોએ બંદગી કરી હતી.


આ દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત અને પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પર બીએસએફ અને પાકિસ્તાની રેંજર્સે એકબીજાને મીઠાઈની આપ-લે કરી હતી. આ દરમિયાન બંને દેશના જવાન કોવિડ-19 નિયમોનું પાલન કરતાં જોવા મળ્યા હતા.


બીએસએફ પ્રવક્તાએ જણાવ્યું કે, ગત વર્ષે કોવિડ-19ના કારણે આ પરંપરા સ્થગિત કરી દેવામાં આવી હતી. બીએસએફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2290 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડરની સુરક્ષા કરે છે. જે જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થાય છે. ઈદ-ઉલ-અજહાના અવસર પર જમ્મુમાં પણ સીમા પર બંને વચ્ચે મીઠાઈનું આદાન પ્રદાન થયું હતું.






બીએસએફના જમ્મુ ફ્રંટિયરે જણાવ્યું કે, પુલવામા હુમલા બાદ પ્રથમ વખત બીએસએફ અને પાકિસ્તાન રેંજર્સ વચ્ચે મીઠાઈનું આદાન પ્રદાન થયું હતુ. લાંબા સમયથી સરહદ પર ફાયરિંગ નથી થયું અને સરહદની બંને બાજુ શાંતિપૂર્ણ રીતે ગતિવિધિ ચાલી રહી છે.


મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.