નવી દિલ્હીઃ રાફેલ ફાઇટર જેટ્સ ડીલ મામલામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. જ્યારે સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે બંન્ને ગૃહમાં રાફેલ ડીલ પર આવેલા નિર્ણયને લઇને હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો હતો અને જેપીસીની તપાસની માંગ કરી હતી. જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. હોબાળો વધતા લોકસભાની કાર્યવાહી 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં હોબાળા વચ્ચે રાજનાથ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. રાફેલ ડીલને લઇને તેમણે દુનિયામાં ભારતની છબિ ખરાબ કરી છે. રાફેલ ડીલ પર કોઇ ગરબડ થઇ નથી. નોંધનીય છે કે રાફેલ જેટ્સ ડીલ પર સવાલ ઉઠાવનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સીજેઆઇ રંજન ગોગોઇએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ ડીલની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટને કોઇ ગરબડ મળી નથી. જેથી તેની એસઆઇટી તપાસ થશે નહીં.
સીજેઆઇએ કહ્યું કે, રાફેલ જેટ્સની કિંમતોની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનું કામ નથી. અમે કેટલાક લોકોની ધારણાના આધાર પર નિર્ણય લઇ શકીએ નહીં. રાફેલ ડીલમાં કોઇ ગરબડ કે અનિયમિતતા થઇ નથી. રાફેલની ગુણવતાને લઇને કોઇ શંકા નથી. દેશને સારા વિમાનની જરૂર છે તો રાફેલ ડીલ પર સવાલ કેમ? નોંધનીય છે કે રાફેલ મામલામાં બે વકીલ એમએલ શર્મા અને વિનીત ઢાંડા સિવાય એક બિન સરકારી સંસ્થાએ જનહિત અરજીઓ દાખલ કરી ડીલ પર સવાલ ઉઠાવતા તેને રદ કરવાની માંગણી કરી હતી.
એનડીએ સરકાર પર રાફેલ ડીલને લઇને વિપક્ષ પાર્ટીઓએ આરોપ લગાવ્યો હતો કે આ વિમાનને લગભગ 1670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએ સરકાર જ્યારે 126 રાફેલ જેટની ખરીદીની વાત કરી હતી ત્યારે સરકાર 526 કરોડ રૂપિયામાં અંતિમ રૂપ આપી રહી હતી.