બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગે  દરોડા પાડ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આવકવેરા વિભાગની ટીમ હજુ પણ બીબીસી ઓફિસમાં છે અને દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આઈટી વિભાગના અધિકારીઓ બીબીસી ઓફિસમાં પેપરો તપાસી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 60-70 સભ્યોની બનેલી આવકવેરા વિભાગની ટીમ બીબીસી ઓફિસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી.  ઓફિસમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે






સૂત્રોએ જણાવ્યું કે ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓને એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે. મુંબઈમાં બીબીસી ઓફિસમાં કોઈનો સંપર્ક થઈ શકતો નથી. જો કે, હજુ સુધી આ દરોડાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. જોકે આઈટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક સર્વે છે.


બીબીસી આઈટી રેડ પર રાજનીતિ શરૂ


બીબીસી ઓફિસ પરના દરોડાને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ટ્વીટ કરીને આ દરોડાને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું હતું કે "પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ મુકાયો. હવે બીબીસી પર આઈટીના દરોડા. અઘોષિત ઈમરજન્સી."






નોધનીય છે કે તાજેતરમાં જ બીબીસી તેની એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને ઘણી ચર્ચામાં હતી. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા પીસ ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટરી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે, જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના પ્રતિબંધ છતાં ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આને લઈને દિલ્હીની જેએનયુમાં ભારે હોબાળો થયો હતો.


ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે દિલ્હીમાં બીબીસીની ઓફિસ પર આવકવેરાના દરોડાના સમાચાર મળ્યા છે. આ અનપેક્ષિત છે.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અહીં અમે અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસીની પાછળ પડી છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ.


કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે જે સમયે ભારત જી-20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે તે સમયે પીએમ મોદી ભારતને સરમુખત્યારશાહી અને તાનાશાહી તરફ ધકેલી રહ્યા છે. બીબીસીના દરોડા, અદાણીને ક્લીન ચિટ, ધનિકો માટે ટેક્સમાં ઘટાડો, અસમાનતા અને બેરોજગારી વધી રહી છે.