Breaking News Live: સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે: રાહુલ ગાંધી

Breaking News Live Updates 16th March' 23: દેશ-વિદેશના સમાચાર સૌથી પહેલા જાણવા માટે, બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

gujarati.abplive.com Last Updated: 16 Mar 2023 06:13 PM
સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લંડનમાં આપેલ નિવેદનથી હંગામો મચી ગયો છે. ભાજપ તેમની પાસેથી માફી માંગવા પર અડગ છે. આ નિવેદનને લઈને સંસદના બંને ગૃહોમાં હોબાળો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ મામલે પીસી કરી રહ્ય છે. તેમણે કહ્યું કે સરકાર અને પીએમ અદાણી કેસથી ડરી ગયા છે તેથી તેમણે આ 'તમાશો' કર્યો છે. અદાણી વિશે સંસદમાં મારા છેલ્લા ભાષણમાં પૂછાયેલા પ્રશ્નોનો વડાપ્રધાને હજુ સુધી જવાબ આપ્યો નથી. મને લાગે છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે મોદીજી અને અદાણીજી વચ્ચે શું સંબંધ છે. સરકાર અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માંગે છે. આ પહેલા ગુરુવારે સંસદમાં જતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે ભારત વિરોધી કંઈ કહ્યું નથી.

Murder: નડિયાદમાં જાહેરમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો

નડિયાદઃ નડિયાદમાં જાહેરમાં પત્નીની હત્યાર કરનાર આરોપી પતિની ધરપકડ કરાઇ હતી. મળતી જાણકારી અનુસાર, નડિયાદમાં નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે.


પોલીસે હત્યારા રસિકને સરદાર ભવન પાસેથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક રાઉંડ ફાયરિંગ કરી પત્ની નિમિષાની હત્યા કરી હતી. એટલું જ નહીં, જમીન પર ઢળી પડેલી પત્ની પર પોતાનું એક્ટિવા પણ ફેરવી દીધું હતું. રસિક પરમારના નિમિષાબહેન સાથે બીજા લગ્ન હતા.  પહેલી પત્નીના ઘરે જઈ તેઓ પૈસા આપતા જેને લઈ નિમિષાબહેન સાથે ઘરમાં ઝઘડા થતાં હતા. આરોપી રસિક પરમાર નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર છે.  નિમિષાબહેનના મોત બાદ તેમના પરિવારજનો દોડી આવ્યા હતા.  તો પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી રસિકને ઝડપી પાડ્યો હતો.


નોંધનીય છે કે નિમિષાબેન પરમારે તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.



મૃતક

નસવાડીમાં દૂધ સંજીવની યોજનાનો સત્યનાશ, શાળાના ઓટલા પર દૂધના કેરેટમાંથી ભૂંડ દૂધ પીતા હોવાનો વીડિયો થયો વાયરલ

નસવાડી કુમારશાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ ભૂંડો પિતા હોવાના વીડિઓ આવ્યા સામે આવ્યો છે. શાળાના ઓટલા ઉપર દૂધના કરેટમાંથી ભૂંડો દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગત 14 તારીખના બનાવનો હાલ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી બાળકોના પોષણ માટે આદિજાતિ વિભાગ દ્વારા શાળાઓમાં દૂધ અપાય છે.


છોટાઉદેપુરથી દૂધ સંજીવની યોજનાના સત્યાનાશની વધુ તસ્વીરો સામે આવી છે. બોડેલી તાલુકાના વાલોઠી શાળાની બહાર કૂતરા દૂધ પી રહ્યા છે. શાળા કંપાઉન્ડમાં કાર્યરત અંગણવાડીના બાળકોનું દૂધ કૂતરા પી રહ્યા છે. નસવાડીની કુમાર શાળામાં ભૂંડો દૂધ પિતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા..

Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ રહશે વરસાદી માહોલ, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે

Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહશે.


વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે.

Cheetah Helicopter Crash: અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ

Indian Army Cheetah Helicopter: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. તેમાં માત્ર પાઈલટ અને કો-પાઈલટ હતા.


ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

Delhi: રાહુલે ઈન્દિરા ગાંધી પાસેથી કંઈક શીખવું જોઈએ - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ચોક્કસપણે દેશ દરેકના સમર્થન, દરેકના વિકાસ, દરેકના વિશ્વાસ અને દરેકના પ્રયાસોથી આગળ વધી રહ્યો છે, તો જ ભારત 10માં નંબરથી 5 નંબરનું અર્થતંત્ર બન્યું. દુનિયાએ ભારતના નેતૃત્વને સ્વીકાર્યું છે પરંતુ કોંગ્રેસ કદાચ સ્વીકારવા તૈયાર નથી. ઓછામાં ઓછું તમે સંસદનું અપમાન તો ન કરો. દેશ વિશે આવા વિચારો આવે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ઈન્દિરાજી જ્યારે વિદેશ આવ્યા હતા ત્યારે તેમણે દેશ વિશે કંઈ કહ્યું ન હતું, તમારે તેમની પાસેથી જ કંઈક શીખવું જોઈએ.

દિલ્હીઃ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા

લંડનમાં પોતાના નિવેદનને લઈને થયેલા હોબાળા વચ્ચે રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા છે. આજે ફરીથી હોબાળો થવાની સંભાવના છે.

Triple Murder: સાબરકાંઠામાં ત્રિપલ મર્ડરથી સનસનાટી, જાણો વિગત

Triple Murder: સાબરકાંઠાના પોશીનાના અજાવાસ ગામે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. બે આધેડ અને એક બાળકની હત્યા થઈ હતી. સામ-સામે બે આધેડે એક બીજા પર હુમલો  કર્યો હતો. ઘટનામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. ગઈ કાલ રાત્રેના 1.30 આસપાસ ઘટના બની હતી.


શું છે મામલો


ગઈકાલે જીજણાટ ગામનો રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા અજાવાસ ગામે આવ્યો હતો. જેણે પોતાની ભાભીના ભાઈ પર હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન તેણે પોતાની ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમારને કુહાડીના ઘા ઝિંક્યા હતા. ઘટનામાં પિતા સાથે ખાટલામાં સુતેલા પાંચ વર્ષના કલ્પેશને પણ કુહાડીના ઘા ઝીંકીને ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મરનાર લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ કરી દીધી હતી. બંનેએ સામસામે હુમલો કરતા મકનાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે હત્યા કરવા આવેલો રમેશ બુબડીયા ખુદ પણ હત્યાનો શિકાર થયો હતો.


ઘટના સ્થળેથી પોશીના પોલીસે બાળક સહિત ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાને લઈ ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, આ કાર્યક્રમમાં આપશે હાજરી

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. મળતી જાણકારી અનુસાર, 18 અને 19 માર્ચે અમિત શાહ ગાંધીનગર, જૂનાગઢ, વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ શનિવારે સર્કિટ હાઉસમાં બેઠક યોજશે. જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે. તો શનિવારે સાંજે 6 વાગ્યે એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. જે બાદ સાડા આઠ વાગ્યે અમદાવાદ રવાના થશે.


તો રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢના પ્રવાસે છે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. અંદાજીત 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ કિસાન ભવન, નવા શેડ, ખેડૂત કેન્ટીન, આરામ ગૃહનું લોકાર્પણ કરશે. સાથે જ સક્કરબાગમા ઓર્ગેનિક મોલનું ભૂમિ પૂજન કરાશે. એટલું જ નહી ઝાંઝરડા રોડ પર જીલ્લા સહકારી બેંકના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન પણ અમિત શાહના હસ્તે કરાશે.

Bharuch: જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવેદ મલેકની ધરપકડ, જાણો શું છે મામલો

Bharuch News: ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી જાવેદ મલેકની ધરપકડ કરવામાં આવી છે.  ખંડણી, છેડતી અને એટ્રોસિટીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત અકબર બેલીમની પણ પોલીસે કરી ધરપકડ કરી છે.


શું છે મામલો


વર્ષ 2019 માં મહિલા બુટલેગર પાસે દેશી દારૂનો હપ્તો લેવા બન્ને આરોપી ગયા હતા. તે સમયે ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને ઇટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત ઘરમાં પ્રવેશ કરી, કપડાં ફાડી નાખી જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. આમોદના BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમ હાઇકોર્ટમાંથી તારીખો મેળવી ધરપકડથી બચ્યાં કરતા હતા. આમોદ પોલીસ મથકે FIR છતાં 2021 માં એક પૂર્વ MLA એ વકફ બોર્ડ, હજ કમિટી, અલ્પ સંખ્યક નાણાં નિગમમાં જાવીદને સભ્ય બનાવવા પ્રદેશ પ્રમુખને ભલામણ પણ કરી હતી.

આમોદના એક ગામે રહેતી આદિવાસી મહિલાના ઘરે નવેમ્બર 2019 માં આછોદનો અકબર બેલીમ તથા આમોદનો જાવીદ મલેક ગયા હતા. ઘરે બે વહુઓ સાથે એકલી મહિલાને આ બંન્નેએ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. મહિલા દારૂ વેચતી હોય હપ્તો માંગ્યો હતો. મહિલાએ બન્ને કહ્યું હતું કે, તેણે દારૂનો ધંધો બંધ કરી દીધો છે અને હમણાં તેમના પિતા દેરોલ ગામે ગયા હોય જેથી તેઓ આવે ત્યારે તમો આવજો તેમ કહેતા આ બંન્ને પત્રકારો એ હમણાં જ અમોને હપ્તાના રૂપિયા આપી દે નહી તો તારા ઘરમાં દારૂ છે તેવો વિડિયો ઉતારીશુ તેમ કહ્યું હતું.


'રાષ્ટ્રીય પુરુષ આયોગ ' બનાવવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી, પુરુષો પણ બને છે ઘરેલુ હિંસાનો શિકાર

નવી દિલ્હી: ઘરેલું હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યાના કિસ્સાઓનો સામનો કરવા માટે માર્ગદર્શિકા અને 'નેશનલ કમિશન ફોર મેન'ની સ્થાપના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.


એડવોકેટ મહેશ કુમાર તિવારીએ દાખલ કરેલી અરજીમાં દેશમાં આકસ્મિક મૃત્યુના સંદર્ભમાં 2021માં પ્રકાશિત નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાને ટાંકવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે વર્ષમાં સમગ્ર દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી.


અરજીમાં કહેવામાં આવ્યું છે કે આમાંથી આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા 81,063 હતી જ્યારે 28,680 પરિણીત મહિલાઓ હતી. NCRB ડેટાને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "વર્ષ 2021 માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને 4.8 ટકાએ લગ્ન સંબંધિત કારણોસર જીવનનો અંત લાવ્યો હતો.


પિટિશનમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યાના મુદ્દા સાથે વ્યવહાર કરવા અને ઘરેલું હિંસાનો ભોગ બનેલા પુરુષોની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્રને ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ વિભાગને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરૂષોની ફરિયાદોને તાત્કાલિક સ્વીકારવા નિર્દેશ આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

SpiceJet: ગુજિયા-કોફીને ફ્લાઈટની કોકપીટમાં રાખવા પડી ગયા ભારે, સ્પાઈસ જેટે બે પાઈલટને હટાવ્યાં

SpiceJet:સ્પાઈસજેટે તેના બે પાઈલટને ઓફ રોસ્ટર (ઉડાન ડ્યૂટીથી હટાવ્યાં) કર્યા છે. હોળીના દિવસે તેણે ફ્લાઇટ ડેકના સેન્ટર કન્સોલ પર કોફી અને ગુજિયાનો ગ્લાસ મૂક્યો હતો. સ્પાઈસ જેટના અધિકારીઓનું કહેવું છે કે, પાઈલટોએ આમ કરીને ફ્લાઈટની સલામતી જોખમમાં મૂકી  હતી. આ ઘટના હોળીના દિવસે (8 માર્ચ 2023) દિલ્હીથી ગુવાહાટી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બની હતી. બંને પાયલોટને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.


સ્પાઈસજેટ એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે કોકપિટની અંદર ખોરાકને લઈને કંપનીની કડક નીતિ છે. તમામ ફ્લાઇટ ક્રૂએ તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય અનુશાસનાત્મક પગલાં લેવામાં આવશે. ત્યાં સુધી બંને ઓફ-રોસ્ટર છે. જો કન્સોલ પર રાખેલો કાચ થોડો પણ ઢોળાયો હોત તો તેની અસર વિમાનની સુરક્ષા પર પડી શકે છે.

રાહુલ ગાંધીએ દેશના બંધારણ અને ન્યાયતંત્રનું અપમાન કર્યું છે

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, દેશના હિતની વાત આવે ત્યારે કોઈ ચૂપ બેસી ન શકે. રાહુલ ગાંધી કે કોંગ્રેસના નેતાઓ ગમે તે પોતાની મરજી મુજબ બોલે, પરંતુ દેશને અપમાનિત કરવાનો અને બદનામ કરવાનો અધિકાર કોઈને નથી. રાહુલ ગાંધી જે પણ કહે તેનાથી કોંગ્રેસને જ નુકસાન થાય છે. તેમણે પોતાના નિવેદનથી દેશના બંધારણ અને ન્યાયતંત્રનું અપમાન કર્યું છે.

AAP: અદાણી કેસમાં JPC તપાસ અંગે, AAP પાર્ટી...

AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે અદાણી કેસમાં JPC તપાસની માંગ કરતી બિઝનેસને સસ્પેન્ડ કરવાની નોટિસ આપી હતી.

રાહુલ ગાંધીઃ આજે રાહુલ ગાંધી લંડનમાં કરેલી ટિપ્પણી પર વાત કરી શકે છે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે સંસદમાં હાજરી આપશે અને લંડનમાં તેમના ભાષણને લઈને થયેલા વિવાદ અંગે મીડિયા સાથે વાત કરે તેવી શક્યતા છે.

દિલ્હી: કેવિતા આજે ફરી EDનો સામનો કરશે

દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની પૂછપરછ પહેલા BRS MLC કે. કવિતાના નિવાસસ્થાનની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી.

અદાણીઃ અદાણી કેસ પર આજે વિપક્ષની બેઠક

અદાણી કેસને લઈને આજે વિપક્ષની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની બેઠક પર વિચાર કરવામાં આવી શકે છે.

નેપાળ: પીએમ પ્રચંડનું ટ્વિટર એકાઉન્ટ હેક

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ ગુરુવારે (16 માર્ચ) હેક કરવામાં આવ્યું હતું. તેનું એકાઉન્ટ હેક કર્યા બાદ હેકર્સે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ડિજિટલ કરન્સીને પ્રમોટ કરવા સંબંધિત મેસેજ ટ્વિટ કર્યો હતો.





દિલ્હી: ફેક્ટરીમાં આગ લાગી

દિલ્હીઃ વજીરપુરના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસમાં ઓફિસર શર્માએ કહ્યું, "અમારી પાસે 12 વાહનો છે. અહીં મેટલ અને પ્લાસ્ટિકનું કામ કરવામાં આવે છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી."

ગોવાઃ સમગ્ર ગોવામાં કુલ 16 સિગ્નલ શરૂ કરવામાં આવશે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગઈકાલે ગોવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ અને ઈ-ચલણ સિસ્ટમ લોન્ચ કરી હતી. ટ્રાફિક અને સલામતીનું સંચાલન કરવા માટે ગોવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર ગોવામાં કુલ 16 સિગ્નલ શરૂ કરવામાં આવશે.

Telangana: BRS-BJP પોસ્ટર વોર

Telangana: EDની MLC કવિતાની પૂછપરછ પહેલા હૈદરાબાદમાં હવે પોસ્ટર સામે આવ્યા છે. પોસ્ટરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષને ગુનેગાર અને 'વોન્ટેડ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. હૈદરાબાદમાં બે અલગ-અલગ જગ્યાએ પોસ્ટર જોવા મળ્યા હતા.





બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 16th March' 23: તેલંગાણામાં BRS BJP પોસ્ટર વોર ચાલુ છે. EDની MLC કવિતાની પૂછપરછ પહેલા હૈદરાબાદમાં હવે પોસ્ટર સામે આવ્યા છે. પોસ્ટરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષને ગુનેગાર અને 'વોન્ટેડ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. હૈદરાબાદમાં બે અલગ અલગ જગ્યાએ પોસ્ટર જોવા મળ્યા હતા.


બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું...


ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું, અમે બે જૂના દેશ છીએ, ભારત અને યુનાઈટેડ કિંગડમ. 71 વર્ષમાં પહેલીવાર હવે આપણી પાસે રાજા છે. તે ભારતને પ્રેમ કરે છે અને તેના પ્રત્યે ઉત્સાહી છે. રાજા ઘણી વખત ભારત આવ્યા છે. મને લાગે છે કે રાજા ખરેખર ભારતને જાણે છે અને પ્રેમ કરે છે.


તેમણે કહ્યું, આપણા વડાપ્રધાન છે જેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાના ઘરની બહાર રંગોળી બનાવી છે. હું ભારત અને યુકે વચ્ચેના ગાઢ સંબંધોમાં મોટી તક જોઉં છું અને મને ખાતરી છે કે રાજા અને વડાપ્રધાનને તે ગમશે.


અદાણીની તપાસ પર વિપક્ષ અડગ છે


અદાણી ગ્રૂપની તપાસના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોએ તેમની ગતિવિધિઓ તેજ કરી છે. વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પર વિચાર કરી રહી છે. રાષ્ટ્રપતિ મુર્મુને ક્યારે મળશે તે અંગે વિરોધ પક્ષો આજે (16 માર્ચ)ની બેઠકમાં ચર્ચા કરી શકે છે.


લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે તેમના ડેસ્ક પરનું માઈક છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, જે રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે કે ભારતમાં વિપક્ષી સભ્યોના માઈક બંધ છે.


દિલ્હીની ફેક્ટરીમાં આગ


દિલ્હીના વજીરપુરના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસમાં ઓફિસર શર્માએ કહ્યું, "અમારી પાસે 12 વાહનો છે. અહીં મેટલ અને પ્લાસ્ટિકનું કામ કરવામાં આવે છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી."

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.