Brics Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પાંચ વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી ઔપચારિક મુલાકાત હશે. આ પહેલા બંને નેતાઓ 2019માં બ્રાઝિલમાં આયોજિત બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. મંગળવારે સાંજે કઝાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ વાતની પુષ્ટી કરી હતી.  તેમણે કહ્યું કે બંને દેશોના વડાઓ વચ્ચે આ બેઠક બ્રિક્સ સમિટના અવસર પર 23 ઓક્ટોબરે થશે. મિસરીએ કહ્યું કે દ્વિપક્ષીય બેઠકનો સમય બુધવારે નક્કી કરવામાં આવશે.






પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે નવી સમજૂતી કરવામાં આવ્યા બાદ બેઠક થઇ રહી છે. નોંધનીય છે કે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં એલએસી પર ડેમચોક અને દેપસાંગથી તેમની સેનાને હટાવવા અને પહેલાની જેમ ફરીથી વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવા માટે સહમત થયા છે. તેમણે કહ્યું હતું કે બંને દેશોની સેનાએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં સૈનિકો હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે.


વિદેશ સચિવ વિક્રમે કહ્યું હતું કે 'પહેલા ડિસએન્ગેજમેન્ટ થવા દો. ચાલો જોઈએ કે તે ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે આગળ વધે છે. તમે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો કે સંઘર્ષની સ્થિતિ ફરીથી ઉભી ન થાય તે માટેના ઉપાયો શું છે. અમારી આશા અને પ્રયાસ એ છે કે જે સમજૂતી થઈ છે તેનો ઈમાનદારીથી અમલ થાય અને અગાઉ જે અથડામણ થઈ છે તેના પર રોક લાગી જાય. આ માટે બંને દેશોએ સતત પ્રયાસો કરવા પડશે જેથી અગાઉની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.


કરાર પર ભારત સાથે મળીને કામ કરીશુઃ ચીન


ચીને પણ મંગળવારે LAC પર તણાવ ઘટાડવા માટે ભારત સાથે સૈન્ય કરારની પુષ્ટી કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'સંબંધિત બાબતો પર એક પ્રસ્તાવ પર પહોંચ્યા છીએ અને અમે આ પ્રસ્તાવોને લાગુ કરવા માટે નવી દિલ્હી સાથે મળીને કામ કરીશું.' ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મે 2020થી આ મડાગાંઠ ચાલી રહી છે અને સરહદ વિવાદ હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. જો કે, બંને પક્ષોએ સંઘર્ષના ઘણા મુદ્દાઓથી પીછેહઠ કરી છે.


War: શું છે પુતિનની 'કસમ', જેને ઝેલેન્સ્કી માની લે તો ખતમ થઇ જશે રશિયા-યૂક્રેન યુદ્ધ ?