Cyclone Dana:  તોફાન દાનાને લઇને હવામાન વિભાગ હાઈ એલર્ટ પર છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર બુધવારે ખૂબ જ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે કહ્યું કે ગુરુવારે મધરાત અથવા શુક્રવારે વહેલી સવારે તે ઓરિસ્સાના ભુવનેશ્વર અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. તેમજ વરસાદને જોતા બેંગલુરુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દાના 24મીએ સાંજે અથવા 25મીએ સવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાશે. વિભાગે કહ્યું કે દરિયાકાંઠે અથડાયા પછી પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે વીજળી અને સંદેશાવ્યવહાર પ્રણાલીને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા કાચા ઘરોને નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે. જો કે, લેન્ડફોલ પછી પવનની ગતિ ઘટશે. જે ઘટીને 85 થી 110 કિલોમીટર પ્રતિ કલાક થશે.


ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે


હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત દાનાને કારણે 22મી ઓક્ટોબરની રાતથી મયુરભંજ, બાલાસોર, ભદ્રક અને ક્યોઝર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 24 ઓક્ટોબરની બપોરથી ઓડિશાના ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, ખુર્દા, કટક, પુરી, નયાગઢ અને ગંજામ જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ 25 થી 26 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે.


શાળા-કોલેજો બંધ, રાષ્ટ્રપતિની મુલાકાત મુલતવી


ચક્રવાતની આશંકાને જોતા ઓડિશામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 26મી ઓક્ટોબર સુધી સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ચક્રવાતને કારણે 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંગળવારથી પ્રસ્તાવિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાત પણ મોકૂફ રાખવામાં આવી છે.


પુરીની યાત્રા ન કરવાની સલાહ


મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે 'દાના' ને લઇને રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવા સાથે સાવચેતીના પગલા તરીકે 10 દરિયાકાંઠાના જિલ્લાઓમાં 17 ODRAF ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રવાસીઓને શહેર ખાલી કરવા અને 24-25 ઓક્ટોબરના રોજ પુરી ન જવાની સલાહ આપવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


ચક્રવાતના સમગ્ર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. સાવચેતીના ભાગરૂપે 250 રાહત કેન્દ્રો અને 500 વધારાના રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ભુવનેશ્વર હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મહાપાત્રાએ જણાવ્યું છે કે બુધવારે ઓડિશાના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.


ચક્રવાત રાજ્યના અન્ય જિલ્લાઓને પણ અસર કરશે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. વરસાદનો આ ક્રમ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તેની અસર ઝારખંડ અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળશે.


178 ટ્રેનો રદ્દ


ચક્રવાત દાનાને ધ્યાનમાં રાખીને દક્ષિણ પૂર્વ રેલવેએ 23 થી 25 તારીખ સુધી લગભગ 150 એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. રેલ્વે વિભાગે હાવડા-સિકંદરાબાદ, શાલીમાર-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-ભુવનેશ્વર, હાવડા-ભુવેશ્વર, હાવડા-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-પુરી, ખડગપુર-ખુર્દા, સંબલપુર-પુરી એક્સપ્રેસ વગેરે ટ્રેન રદ્દ કરી છે. ભારે વરસાદને જોતા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ છે. સરકારે શાળાઓ, કોલેજો અને મહત્વની ઓફિસોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.