ઉત્તરાખંડ (uttarakhand)માં ભારે વરસાદ (Rain) વચ્ચે દેહરાદૂન (dehradun)-ઋષિકેશ (rushikesh) વચ્ચે આવેલો રાનીપોખરી બ્રિજ (Bridge) તૂટી ગયો છે. આ દુર્ઘટના સમયે બ્રિજ પરથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો નદીમાં પડ્યા હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, કેટલાક લોકોને ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, બ્રિજ તૂટતા જ 3 વાહનો, જેમાં બે લોડર અને એક કાર નદીમાં ખાબક્યા હતા. એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી છે. બ્રિજ તૂટવાની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ દુર્ઘટનાને પગલે અત્યારે દેહરાદૂનથી ઋષિકેશનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. વાહનોને દેહરાદૂનથી નેપાલી ફાર્મ તરફથી ડાયવર્ટ કરી ઋષિકેશ મોકલાય રહ્યા છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાનીપોખરી બ્રિજ વચ્ચેથી તૂટતો દેખઈ રહ્યો છે. જે દુર્ઘટનામાં વાહનો પણ નદીમાં પડ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના 5 જીલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જીલ્લામાં નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢનો સમાવેશ થાય છે. વધુમાં દેહરાદૂન, ટિહરી, પૌરી જીલ્લાઓનાં કેટલાંક ભાગોમાં પણ ભારે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.