Brij Bhushan Sharan Singh on WFI Suspension: રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો વિવાદ વકર્યો છે. આજે બીજેપી સાંસદ અને પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ગોંડામાં કુસ્તી ચેમ્પિયનશિપ યોજવાના સવાલોના જવાબમાં તેણે કહ્યું, 'દરેક ફેડરેશનના લોકોએ હાથ ઊંચા કર્યા છે કે અમે તેને ચલાવી શકીએ નહીં. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે નંદનીનગરમાં આ ટૂર્નામેન્ટ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ ચાર દિવસમાં યોજાવાની હતી. દેશના 25માંથી 25 ફેડરેશનોએ હાથ ઉંચા કર્યા અને આ ટૂર્નામેન્ટ 31મી ડિસેમ્બર સુધીમાં યોજાવાની હતી.


સરકારને કર્યો આવો આગ્રહ
તેમણે કહ્યું, 'અમારી પાસે નંદિનીનગરમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તમામ ફેડરેશને આ અંગે સંમતિ આપી હતી. તેમ છતાં હું સરકારને વિનંતી કરું છું કે આ ટૂર્નામેન્ટને તેની દેખરેખ હેઠળ લેવામાં આવે. છેલ્લા 12 વર્ષમાં મેં કરેલા કામના આધારે મારું મૂલ્યાંકન કરવામાં આવશે. મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. હવે આ ચૂંટાયેલા લોકો પોતાનો નિર્ણય લેશે. મારી લોકસભાની ચૂંટણી આવી રહી છે, મારે તેની તૈયારી કરવી પડશે. હવે જે નવું ફેડરેશન આવી રહ્યું છે તે નક્કી કરશે કે તેણે કોર્ટમાં જવું છે કે સરકાર સાથે વાત કરવી છે.




પૉસ્ટરમાં છલકાતુ હતુ અભિમાન 
તેમના ઘરની બહાર લગાવવામાં આવેલા પૉસ્ટરો અને જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાતના જવાબમાં વૃજભૂષણ શરણ સિંહે કહ્યું, 'ચૂંટણી આવી રહી છે, હું ગમે ત્યારે કોઈને પણ મળી શકું છું. નડ્ડાજી અમારા નેતા છે, અમે તેમને મળતા રહીશું, પરંતુ કુસ્તીબાજો વિશે કોઈ વાત કરવામાં આવી નથી... મને લાગ્યું કે આ પૉસ્ટર (દબદબા હૈ, દબદબા રહેગા) ઘમંડથી ભરેલું છે, તેથી મેં પૉસ્ટર હટાવી દીધું છે.


નવા ફેડરેશન વિશે વૃજભૂષણ શરણ સિંહે કહ્યું, 'મેં તમને કહ્યું હતું કે મેં 21 ડિસેમ્બરે જ કુસ્તી સાથેના મારા સંબંધો તોડી નાખ્યા છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સરકારના આદેશથી નવી સંસ્થાની લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી છે. હવે નવી સંસ્થાએ નક્કી કરવાનું છે કે શું કરવું અને શું નહીં. હું ઈચ્છું છું કે નવા પદાધિકારીઓ તેમની ઓફિસ પસંદ કરે. સંજયસિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું, બંને વચ્ચે મિત્રતા હોઈ શકે છે.


કેસરગંજથી ચૂંટણી લડુ, આ છે મારી ઇચ્છા
વૃજભૂષણ શરણ સિંહે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું, 'મેં બલરામપુર, ગોંડા અને કૈસરગંજથી ચૂંટણી જીતી છે. મારું ઘર કૈસરગંજમાં છે. મારી ઈચ્છા મારા ઘરેથી ચૂંટણી લડવાની છે, બાકીનો નિર્ણય પાર્ટી કરશે.


યૌન શોષણના આરોપો પર વૃજભૂષણે કહ્યું કે 'તે 11 મહિનાથી આવું કહી રહ્યા છે, જણાવી દઈએ કે, મામલો કોર્ટમાં છે. આમાં સતત રાજનીતિ ચાલી રહી છે, હું 11 મહિનાથી આનો સામનો કરી રહ્યો છું. સાક્ષીએ પણ નિવૃત્તિ લીધી, મે પણ નિવૃત્તિ લીધી, વાત પૂરી થઈ ગઈ... મારી પાસે ઘણું કામ છે. હું મારું કામ કરીશ અને મારી ચૂંટણી જોઈશ.