WFI Updates: ભારતીય રમત મંત્રાલયે આજે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે એક મોટો નિર્ણય લીધો છે. રમત મંત્રાલયે સંજયસિંહના નેતૃત્વમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. સંજયસિંહને ભાજપના સાંસદ વૃજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે. તેઓ ગુરુવારે જ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રેસલિંગ એસોસિએશન માટે યોજાયેલી ચૂંટણીમાં તેને 47માંથી 40 વૉટ મળ્યા હતા. જ્યારે તેની હરીફ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાનને માત્ર 7 વૉટ મળ્યા હતા. અનિતાને તે કુસ્તીબાજોનું સમર્થન હતું જેમણે વૃજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. સંજયસિંહ આ પહેલા ઉત્તરપ્રદેશ રેસલિંગ એસોસિએશનના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તે 2019 થી WFIની છેલ્લી એક્ઝિક્યૂટિવ કાઉન્સિલનો ભાગ હતો.


તાજપોશીના ત્રણ દિવસ બાદ જ ઘરભેગા થયા નવા અધ્યક્ષ સંજયસિંહ ?
નવા રેસલિંગ એસોસિએશને તાજેતરમાં ગોંડામાં જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજવાની જાહેરાત કરી હતી. રમત મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય 'WFI બંધારણની જોગવાઈઓનું પાલન કર્યા વિના' લેવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ નિવેદનમાં કહ્યું કે, WFIની નવી ચૂંટાયેલી એક્ઝિક્યૂટિવ બૉડી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો WFI અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કૉડની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આવા નિર્ણયો કારોબારી સમિતિ દ્વારા લેવામાં આવે છે, જેની પહેલાં કાર્યસૂચિને વિચારણા માટે મૂકવામાં આવે તે જરૂરી છે. આ નિર્ણયોમાં નવા પ્રમુખની મનસ્વીતા દેખાઈ રહી છે, જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે. રમતવીરો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ કેળવવો મહત્વપૂર્ણ છે.


રમતગમત મંત્રાલયે કહ્યું, એવું લાગે છે કે નવું કુસ્તી એસોસિએશન સંપૂર્ણપણે અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ છે, જેમની સામે જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, રમત સંહિતાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. એટલું જ નહીં મંત્રાલયે કહ્યું કે, ફેડરેશનનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત પરિસરમાંથી ચલાવવામાં આવે છે. આ સંકુલમાં ખેલાડીઓની કથિત જાતીય સતામણીના આરોપો લાગ્યા છે અને હાલમાં કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે.


સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે લીધો હતો સન્યાંસ 
સંજયસિંહ પ્રમુખ બન્યા બાદ વિવાદ સતત વધી રહ્યો હતો. રેસલર સાક્ષી મલિકે સંજય સિંહને વૃજભૂષણ સિંહની નજીક ગણાવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાક્ષી મલિકે કહ્યું હતું કે, કુસ્તીબાજોની લડાઈ વૃજભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન તેને ખતમ કરે, અમે સરકાર સાથે પણ ચર્ચા કરી હતી કે મહિલાને મહાસંઘની અધ્યક્ષ બનાવવામાં આવે. જેથી મહિલા કુસ્તીબાજોના શોષણની ફરિયાદો ના આવે તે માટે સરકારે અમારી માંગણી સ્વીકારવાની ખાતરી પણ આપી હતી, પરંતુ પરિણામ બધાની સામે છે, વૃજભૂષણના જમણા હાથ અને બિઝનેસ પાર્ટનર ફેડરેશનના પ્રમુખ બની ગયા છે. 


પૂનિયાએ લખ્યો હતો પીએમને પત્ર 
આ પછી બજરંગ પૂનિયાએ પણ સંજયસિંહના પ્રમુખ બનવાના વિરોધમાં તેમનું પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સાથે વૃજભૂષણ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોમાં સામેલ હતા. આ ત્રણેય કુસ્તીબાજોના નેતૃત્વમાં ઘણા કુસ્તીબાજોએ જંતર-મંતર પર વૃજભૂષણનો વિરોધ કર્યો હતો. આ રેસલર્સે વૃજભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે FIR પણ નોંધી છે. રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન સમાપ્ત કર્યું. રમતગમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના સમગ્ર યૂનિટને વિસર્જન કરી દીધું હતું. આ પછી કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ખેલ મંત્રાલયે ખેલાડીઓને ખાતરી આપી હતી કે વૃજભૂષણના પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડશે નહીં.