નવી દિલ્હીઃ  કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ શુક્રવારે કહ્યું કે, તેમના  મંત્રીમંડળનો વિસ્તાર આગામી ત્રણ ચાર દિવસમાં કરવામાં  આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં  ભાગ લીધા બાદ કર્ણાટક પહોંચેલા યેદિયુરપ્પાએ કહ્યું કે, તે કોગ્રેસના અયોગ્ય ઠેરવેલા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ફરીથી ધારાસભ્ય બનેલાઓને મંત્રી બનાવવાનું વચન પૂર્ણ કરશે. સાથે તેમણે કહ્યું કે, હારનારાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે નહીં.


યેદિયુરપ્પાએ કહ્યું કે, મે રાજ્યના તાજેતરના  પ્રવાસ દરમિયાન  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. ત્રણ-ચાર દિવસોમાં મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દિલ્હી જવાની તેમને  કોઇ જરૂર નથી કારણ કે શાહ સાથે તે ચર્ચા કરી ચૂક્યા છે અને આ માટે સહમતિ પણ મળી ચૂકી છે.

પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનારા કેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, મંત્રીમંડળનો વિસ્તાર થવા પર તમને આ અંગેનો જવાબ મળી જશે ત્યાં સુધી  રાહ જુઓ. વર્તમાનમાં રાજ્યમાં મુખ્યમંત્રી સહિત 18 મંત્રી છે. રાજ્યમાં મહતમ 34 મંત્રી બની શકે છે.