જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનની ફાયરિંગની ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં તે અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આમાં ઇમ્તિયાઝ શહીદ થયા હતા જ્યારે અન્ય સુરક્ષા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ ફ્રન્ટિયરે ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે "10 મે 2025ના રોજ જમ્મુ જિલ્લાના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ક્રોસ બોર્ડર ગોળીબાર દરમિયાન રાષ્ટ્રની સેવામાં બહાદુર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને અમે સલામ કરીએ છીએ. બીએસએફના ડિરેક્ટર જનરલે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમ્તિયાઝના સન્માનમાં રવિવારે પલૌરામાં જમ્મુ ફ્રન્ટિયર મુખ્યાલય ખાતે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવશે. BSF ને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે.
આમ છતાં પાકિસ્તાને શનિવારે રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ડ્રોન મોકલ્યા હતા. સશસ્ત્ર દળોએ ઝડપી કાર્યવાહી કરી અને એર ડિફેન્સની મદદથી તેને તોડી પાડ્યા હતા. શ્રીનગર શહેરમાં અનેક વિસ્ફોટ થયા છે. સુરક્ષા એજન્સીઓએ શહેરના બટવારા વિસ્તારમાં એક લશ્કરી સંસ્થા પાસે ઉડતા ડ્રોનને તોડી પાડ્યું હતું.
શનિવારે સાંજે ભારતે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયાના થોડા કલાકો પછી જ આ ઘટના બની. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ગોળીબાર કરીને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાના દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે.
સૂર્યાસ્ત પછી શહેરમાં થયેલા અનેક વિસ્ફોટો બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા. શહેરના રાત્રિના આકાશમાં જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી અને વિસ્ફોટોનો અવાજ 15 મિનિટના અંતરે સંભળાતો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા શહેરમાં રાત્રે લગભગ 8.20 વાગ્યે એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.