Heatwave in Rajasthan: ભારત અને પાકિસ્તાન વચ્ચે જેસલમેર બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો એક જવાન શહીદ થયો છે. શહીદ થયેલા જવાનની ઓળખ અજય કુમાર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકનું નિધન હીટ સ્ટ્રોકના કારણે થયું છે. હાલ દેશભરમાં આકરી ગરમી જોવા મળી રહી છે. તેની અસર રણ પાસેની સરહદ પર પણ જોવા મળી રહી છે, જ્યાં તાપમાન 55 ડિગ્રીથી ઉપર ગયું છે. આ કાળઝાળ ગરમીના કારણે બીએસએફના જવાનો પણ પરેશાન છે.






અજય કુમારને રવિવારે (26 મે) ના રોજ બોર્ડર પોસ્ટ ભાનુ પર તૈનાત કરવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમીના કારણે તેમની તબિયત લથડી હતી. આ પછી તેમને સારવાર માટે રામગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૈનિકનું આજે એટલે કે સોમવારે (27 મે) સવારે હોસ્પિટલમાં મોત થયું હતું. શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન 173મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ પણ સૈનિકને ફૂલ ચક્ર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.


શહીદ સૈનિકના પાર્થિવ દેહને જલપાઈગુડી લઇ જવાશે


શહીદ સૈનિકના મૃતદેહને રામગઢથી રોડ માર્ગે જોધપુર લઈ જવામાં આવશે. ત્યારબાદ મૃતદેહને જોધપુરથી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એરલિફ્ટ કરવામાં આવશે. હાલ શેરગઢ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જે રીતે દિલ્હીથી લઈને યુપી-બિહાર સુધી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેવી જ ગરમી રાજસ્થાનમાં પણ અનુભવાઈ રહી છે. રણ વિસ્તાર હોવાને કારણે અહીંની રેતી દિવસ દરમિયાન એટલી ગરમ રહે છે કે લોકો તેના પર રોટલી શેકી શકે છે.