MP Elections 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં ચૂંટણી પ્રવૃતિઓ અને ચૂંટણી સભાઓ અને રેલીઓના સંગઠનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યમાં બસપા તરફથી ઉમેદવારોની ચોથી યાદી પણ જાહેર કરવામાં આવી છે.
બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. BSPની ચોથી યાદીમાં કુલ 31 ઉમેદવારોના નામ છે. જેમાં છતરપુરની મહારાજપુર સીટ પરથી મહેશ કુશવાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નવલસિંહ ધાકડને શિવપુરીની કોલારસ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમરનાથ પટેલને રીવાના દેવતલબથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
BSPએ જબલપુર પશ્ચિમથી દિનેશ કુશવાહાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે પ્રદીપ માંઝીને હોશંગાબાદ બેઠક પરથી પસંદ કરવામાં આવ્યા છે. રાયસેનની સાંચી બેઠક પરથી સૂરજપાલ સિંહને બીએસપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
BSPએ 11 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી હતી. બસપાએ ઉત્તર પ્રદેશને અડીને આવેલા વિધાનસભા ક્ષેત્રોમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભાની સાત વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તેમાં ચંબલની એક બેઠક, બુંદેલખંડની બે અને વિંધ્ય પ્રદેશની ચાર બેઠકોનો સમાવેશ થાય છે. ઉમેદવારોની યાદીમાં દલિત વર્ગમાંથી એક, ત્રણ બ્રાહ્મણ, બે પટેલ અને એક ઠાકુરનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં મુખ્યત્વે સત્તાધારી ભાજપ કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી રહી છે. બંને પક્ષો દ્વારા રાજ્યમાં સતત પ્રચાર ચાલી રહ્યો છે.
ભાજપે 17 ઓગસ્ટે મધ્યપ્રદેશ માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ બેઠકો 230 છે. બહુમત માટે 116 બેઠકો જીતવી જરુરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કૉંગ્રેસ પણ વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે.
ભાજપે ગણેશ સિંહને સતના અને કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોર 1થી ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ નેતા કમલનાથની છિંદવાડા સીટ પરથી ભાજપે વિવેક બંટી સાહુને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઇમરતી દેવીને ડાબરા (SC) બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.