નવી દિલ્હીઃ પોતાના હેલિકોપ્ટર Mi-17ને ભૂલથી તોડી પાડવા મામલામાં ઇન્ડિયન એરફોર્સે પોતાના છ અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. જેમાંથી બે અધિકારીઓને કોર્ટ માર્શલનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઇકના આગામી દિવસે પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હવાઇ હુમલાની નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તે દિવસે ઇન્ડિયન એરફોર્સે ભૂલથી પોતાનું જ એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. જેમાં છ અધિકારી શહીદ થયા હતા.


આ મામલામાં બે અધિકારીઓને કોર્ટ માર્શલનો સામનો કરવો પડશે. બાકી ચાર અધિકારીઓને વહીવટી કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ અધિકારીઓમાં બે એર કમોડોર અને બે ફ્લાઇટ લેફ્ટિનન્ટ સામેલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે, એક ગ્રુપ કેપ્ટન અને એક વિંગ કમાન્ડરને કોર્ટ માર્શલનો સામનો કરવો પડશે.

27 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સૈન્યના ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તે સમયે શ્રીનગર નજીક બડગામમાં Mi-17 ક્રેશ થઇ ગયું હતું. તેમાં સવાર તમામ છ અધિકારીઓ શહીદ થયા હતા. શરૂઆતમાં તેને દુર્ઘટના માની લેવામાં આવી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટરને શ્રીનગરમાં તૈનાત પોતાના જ એર ડિફેન્સ સિસ્ટમે હિટ કર્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી ઇન્ડિયન એર ડ઼િફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર હતી.