નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકાર દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ(એસપીજી)નું બજેટ વધારીને 600 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ પહેલા એસપીજી સિક્યોરિટીનું બજેટ 540 કરોડ રૂપિયા હતું. એસપીજી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી છે.


ગત વર્ષે પણ એસપીજી માટે બજેટ વધારવામાં આવ્યું હતું. વર્ષ 2018માં એસપીજીનું બજેટ 420 કરોડ રૂપિયા હતું જેને 2019માં વધારીને 540 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પણ ઓગસ્ટમાં એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. તેના બાદ તેમને ઝેટ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે.

એસપીજીની ફોર્સ ગૃહમંત્રાલય અંતર્ગત આવે છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાનને સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના બાદ એસપીજીની રચના કરવામાં આવી હતી.