Budget 2023-24:  નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. આ પછી વિપક્ષે બજેટને લઈને અનેક સવાલો ઉઠાવ્યા અને તેને ચૂંટણી બજેટ ગણાવ્યું. આ મામલે પ્રતિક્રિયા આપતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ચૂંટણીનું બજેટ એ છે જેમાં રેવડીઓને વહેંચવામાં આવી રહી છે. આ બજેટ દેશના લોકોને સશક્ત બનાવનાર છે.






વિપક્ષના આરોપો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ બજેટમાં ઘણી સાતત્યતા છે. આ બજેટ 140 કરોડ લોકોને સશક્ત બનાવે છે. તે ભારતને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. ચૂંટણીનું બજેટ એ એવું હોય છે જ્યાં રેવડીઓ વહેંચવામાં આવે છે.


બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમૃત કાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખશે. દરેક વર્ગનું સ્વપ્ન સાકાર થશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો સહિત મહત્વાકાંક્ષી સમાજના સપનાઓને પૂર્ણ કરશે.


'આ બજેટ સારા ભવિષ્ય માટે છે'


તેમણે વધુમાં કહ્યું કે આ બજેટ 140 કરોડ દેશવાસીઓને સ્પર્શશે અને તેમના સારા ભવિષ્યને પણ અસર કરશે. આ સાથે દેશ અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે, તેના માટે પણ આ બજેટ દેશ તૈયાર કરશે. તેમણે કહ્યું કે ભારતને એવો દેશ બનાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં અર્થવ્યવસ્થાની સાથે દરેક વ્યક્તિનો વિકાસ થાય.


પીયૂષ ગોયલે કહ્યું હતું કે દુનિયા માને છે કે ભારત વિશ્વની અર્થવ્યવસ્થાને ખૂબ આગળ લઈ જઈ શકે છે. લગભગ દરેક વર્ગે આ સંતુલિત બજેટની પ્રશંસા કરી છે. એટલા માટે અર્થશાસ્ત્રીઓ આ બજેટથી ખુશ છે. આ બજેટની સુંદરતા એ છે કે તે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપશે.


વિપક્ષનું શું કહેવું?


બજેટ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બજેટ 2-4 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ નથી પરંતુ ચૂંટણી ભાષણ છે. બજેટમાં મોંઘવારી વધી છે, જેનું ધ્યાન રાખવું જોઈતું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશે. સરકારી ભરતીઓ માટે પણ કંઈ થયું નથી. ગરીબો અને બેરોજગારો માટે આ બજેટમાં કંઈ નથી.


તો સાથે જ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે બજેટ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે જો તેને અડધો કલાકનો સમય આપવામાં આવે તો તે આના કરતા વધુ સારુ પબ્લિક ફ્રેન્ડલી બજેટ રજૂ કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી કોઈને ફાયદો થશે નહીં.