Budget 2024 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સાથી પક્ષોની બેઠકમાં શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન સપા સિવાય તમામ ગઠબંધન પક્ષોના પ્રતિનિધિઓ હાજર હતા. ટીએમસીના સૂત્રોએ જણાવ્યું કે બિહાર અને આંધ્રપ્રદેશ સિવાય મોટાભાગના રાજ્યોની અવગણવા કરવામાં આવી હોવાની પણ ચર્ચા કરાઇ હતી. પ્રાદેશિક પક્ષોના નેતાઓએ પણ અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી બુધવારે વિરોધ પ્રદર્શન પર સર્વસંમતિ સધાઈ હતી. ટીએમસીએ આગામી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ડીએમકે દ્વારા ટેકો મળ્યો હતો. જોકે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.






'સરકાર કોઈની સાથે ભેદભાવ કરતી નથી


નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે બજેટમાં તમામ રાજ્યોને ફંડ આપવામાં આવ્યું છે. સરકાર કોઈની સાથે ભેદભાવ કરતી નથી. નિર્મલાએ કહ્યું, જેમના ગઠબંધનને 230થી ઓછી બેઠકો મળી છે, તેમને સવાલ ઉઠાવવાનો અધિકાર નથી. તમામ રાજ્યો માટે 1.5 લાખ કરોડ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. અમને તમામ રાજ્યો તરફથી દરખાસ્તો મળે છે અને યોગ્ય પ્રક્રિયા હેઠળ તેમના પ્રોજેક્ટને નાણાં આપવાનો પ્રયાસ કરીએ છીએ.


કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય બજેટ 2024-25ને ભેદભાવપૂર્ણ અને ખતરનાક ગણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી કે 27મી જૂલાઈની નીતિ આયોગની બેઠકનો પાર્ટીના મુખ્યમંત્રી બહિષ્કાર કરશે. તમિલનાડુના સીએમ પણ કોંગ્રેસના આ નિર્ણય સાથે સહમત થયા છે. મંગળવારે સાંજે કોંગ્રેસે જાહેરાત કરી કે પાર્ટીના મુખ્યપ્રધાનો - સિદ્ધારમૈયા (કર્ણાટક), રેવંત રેડ્ડી (તેલંગણા) અને સુખવિંદર સુખુ (હિમાચલ પ્રદેશ) - રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્રીય બજેટ 2024-25 ભેદભાવપૂર્ણ અને ખતરનાક છે. આ પછી અન્ય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ વિરોધમાં જોડાયા અને નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.