PM Narendra Modi Jacket:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (8 ફેબ્રુઆરી) બજેટ પર ચર્ચા દરમિયાન સંસદમાં પહોંચ્યા હતા અને ખાસ બ્લુ જેકેટમાં જોવા મળ્યા હતા. આ જેકેટ વપરાયેલી પ્લાસ્ટીકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું છે. આ જેકેટ PM મોદીને સોમવાર, 6 ફેબ્રુઆરી, 2023ના રોજ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. બે દિવસ પછી પીએમ તેને પહેરીને સંસદ પહોંચ્યા.


વડાપ્રધાન બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના બજેટ સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બોલે તેવી શક્યતા છે, પરંતુ જ્યારે વડાપ્રધાન સંસદ સંકુલમાં પહોંચ્યા ત્યારે લોકોનું ધ્યાન તેમના ખાસ જેકેટ તરફ ખેંચાયું હતું.


રિસાયકલ પ્લાસ્ટિક બોટલ


સોમવાર, 6 ફેબ્રુઆરી,2023ના દિવસે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા સપ્તાહનો ઉદ્દેશ્ય ઉર્જા સંક્રમણ મહાસત્તા તરીકે ભારતની વધતી જતી શક્તિને દર્શાવવાનો હતો. અહીં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પીએમ મોદીને એક ખાસ જેકેટ અર્પણ કર્યું, જે રિસાઈકલ પીઈટી બોટલમાંથી બનાવવામાં આવ્યું હતું.


પીએમ મોદીને આપવામાં આવેલ જેકેટ માત્ર એક સેમ્પલ છે. તેના આધાર પર, ઇન્ડિયન ઓઇલના કર્મચારીઓ અને સશસ્ત્ર દળો માટે કપડાં બનાવવા માટે 10 કરોડથી વધુ પીઈટી બોટલને રિસાઇકલ કરવામાં આવશે.