મુંબઈ: મુંબઈ નજીક ભિવંડીના હનુમાન ટેકરી વિસ્તારમાં રવિવારે સવારે બે માળની એક બિલ્ડિંગ પડી ગઈ હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. હાલ આ ઘટનામાં એવી શંકા છે કે હજુ પણ કાટમાળ નીચે 7-8 લોકો દબાયેલા હોઈ શકે છે.
સ્થાનીક પ્રશાસન પ્રમાણે, બિલ્ડિંગમાં 2-3 પરિવાર રહેતા હતા, આશંકા એવી પણ સેવવામાં આવી રહી છે કે આ ઘટનામાં મકાન માલિકનું પણ મોત થયું છે. થાણેના કમિશ્નર ઈ રવિચંદ્રન પ્રમાણે, ઘટનાની જાણકારી મળતાં જ થાણે અને રેસ્ક્યૂ નિયંત્રણ દળ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. સ્થાનીક લોકોએ પણ રાહત અને બચાવના કામોમાં જોડાઈ ગયા હતા. એનડીઆરએફની એક ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે.
આ બિલ્ડિંગને ‘ખતરનાક બિલ્ડિંગ’ની શ્રેણીમાં રાખવામાં આવી હતી. સ્થાનીક પ્રશાસને બિલ્ડિંગમાં રહેતા લોકોને ઘર ખાલી કરવાની નોટિસ પણ આપી હતી. અને બે દિવસ પહેલાં આ બિલ્ડિંગમાં પાણી સપ્લાયને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. 31 જુલાઈએ ભિવંડીમાં ભારે વરસાદ વચ્ચે ત્રણ માળની બિલ્ડિંગ ધારાશાયી થઈ ગઈ હતી, જેમાં ચાર બાળકો અને ત્રણ મહિલાઓ સહિત નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.