ચેન્નાઇઃ તામિલનાડુમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે, તિરુરુર જિલ્લાના અવિનાશી શહેરની બાજુમાં ગુરુવારે કેરાલા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ અને ટ્રકની ટક્કર થઇ છે, જેમાં 19 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતદેહોને તિરુપુરની સરકારી હૉસ્પીટલમાં લઇ જવાયા છે.

દૂર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. કેટલાકની હાલત એકદમ ગંભીર છે. અક્સમાત એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ આખેઆખો ટ્રકની નીચે આવી ગયો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.


મનાઇ રહ્યું છે કે બસ કર્ણાટકના બેગ્લુંરુથી કેરાલાના અર્નાકુલમ જઇ રહી હતી, ત્યારે તિરુપુરના અવિનાશી શહેરની પાસે તે ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી. આ ભયાનક ટક્કરમાં 19 લોકોના મોત થઇ ગયા હતા, મૃતકોમાં 14 પુરુષો અને 5 મહિલાઓ સામેલ છે.