Mahua Moitra: TMC સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ પોતે એક એફિડેવિટમાં સ્વીકાર્યું કે આરોપો એકદમ સાચા છે, અને મહુઆ મોઇત્રાએ જ પોતાના સંસદ એકાઉન્ટમાં લોગ ઇન અને પાસવર્ડ શેર કર્યા હતા.


એક એફિડેવિટમાં, દર્શન હિરાનંદાનીએ કહ્યું કે તેણે (દર્શન હિરાનંદાની) સંસદમાં પૂછેલા પ્રશ્નો મહુઆના એકાઉન્ટ પર સંસદની વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. હિરાનંદાની એફિડેવિટ મુજબ, મેં અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવા માટે પ્રશ્નો મોકલ્યા હતા અને અપ્રમાણિત માહિતીના આધારે, હું મહુઆના સંસદ એકાઉન્ટ પર પ્રશ્નો પોસ્ટ કરતો રહ્યો."


હિરાનંદાનીએ એ પણ કબૂલાત કરી હતી કે મહુઆ મોઇત્રા રાજકારણમાં ઝડપથી પ્રગતિ કરવાના ઇરાદાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા માગતી હતી અને તેથી જ તેણે અદાણી પર નિશાન સાધ્યું હતું. હિરાનંદાનીના જણાવ્યા અનુસાર, મહુઆ  પીએમ-અદાણીને નિશાન બનાવવા માટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સતત સંપર્કમાં હતા.


હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાનીએ દાવો કર્યો હતો કે સુચેતા દલાલ, શાર્દુલ શ્રોફ અને પલ્લવી શ્રોફ આ કામમાં મહુઆ મોઈત્રાને મદદ કરી રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસના નેતા શશિ થરૂર અને પિનાકી મિશ્રાએ પણ મહુઆની મદદ કરી હતી. દર્શન હિરાનંદાની અનુસાર, મહુઆએ આ કામમાં વિદેશી પત્રકારોની મદદ પણ લીધી જેઓ FT, NYT અને BBC સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમની સાથે મહુઆ મોઇત્રા ઘણા ભારતીય મીડિયા હાઉસના સંપર્કમાં પણ હતી.


દર્શન હિરાનંદાનીએ એફિડેવિટમાં કહ્યું હતું કે, મને આશા હતી કે મહુઆ મોઇત્રાનું સમર્થન કરવાથી મને વિપક્ષ (વિરોધી પક્ષોની સરકાર)માં મદદ મળશે, તેથી હું મહુઆ મોઇત્રાને મોંઘી ભેટ આપતો હતો. હું મહુઆના સરકારી આવાસ પર જતો. તે આવાસનું સમારકામ પણ કરાવ્યું હતું અને મહુઆની ટ્રીપ અને રજાઓનો ખર્ચો પણ હું ઉઠાવતો.


ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા પર સંસદમાં આવા પ્રશ્નો પૂછવા માટે હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ છે, જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિરાનંદાની ગ્રુપના બિઝનેસ હરીફ અદાણી ગ્રુપની છબી ખરાબ થાય છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને મહુઆ મોઇત્રાને સંસદની સદસ્યતામાંથી સસ્પેન્ડ કરવાની અને તેમની વિરુદ્ધ તપાસની માંગણી કરી હતી.