અમૃતસરઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસીના વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોની વચ્ચે પાકિસ્તાનમાંથી 25 હિન્દુ પરિવાર જીવ બચાવીને ભારત આવી ગયા છે. 25 પરિવારોના લગભગ 200 લોકો અટારી-વાઘા બોર્ડરના રસ્તાથી ભારત પહોંચ્યા છે.

આ લોકો હરિદ્વાર જવા માટે 25 દિવસના વિઝા લઇને અહીં આવ્યા છે. આ લોકોનુ કહેવુ છે કે, પાકિસ્તાનમાં જીવવુ મુશ્કેલ થઇ ગયુ છે. આ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમને નાગરિકતા આપવાની અપીલ કરી છે.

પાકિસ્તાનમાંથી આવેલા લોકોનુ કહેવુ છે કે, ત્યાં બાળકો પર ખુલ્લેઆમ અત્યાચાર થઇ રહ્યો છે. ઉઠાવીને લઇ જવાની ધમકીઓ મળે છે. હવે અમે પાછા પાકિસ્તાન નથી જવા માંગતા. ત્યાં જીવવુ મુશ્કેલ બની ગયુ છે. એમને કહ્યું કે અમને મોદી સરકાર અહીં નાગરિકતા આપે.


મોટા ભાગના લોકો સિંધ અને કરાંચી વિસ્તારના હતા, તેમાથી કેટલાક લોકોની પાસે સામાન હતો અને તે કહી રહ્યાં હતા કે તે ભારતમાં આશ્રય શોધશે. ઉલ્લેખનીય છે કે, આ હિન્દુ પરિવાર પોતાનો ઘરેલુ સામાન બોરીઓમાં ભરીને લાવ્યા છે.