મુંબઈ: મુંબઈના ઑગષ્ટ ક્રાંતિ મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદાનાં સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી હતી. દેવેંદ્ર ફડણવીસે રેલીને સંબોધન કરતા કહ્યું, અમે કોઈની નાગરિકતા છીનવી નથી રહ્યા, આ કાયદો નાગરિકતા આપવા માટે છે. પરંતુ કેટલાક લોકો અસત્ય ફેલાવી રહ્યા છે.


દેવેંદ્ર ફડણવીસે કહ્યું, એમને લાગે છે કે મોદી શાસન ક્યારેય નહીં જાય, આ કારણે તેઓ સત્તા માટે આગ લગાવી રહ્યા છે. ફડણવીસે પ્રશ્ન ઉઠાવતા કહ્યું એનઆરસી કોણ લાવ્યું? તેમણે આગળ કહ્યું કે, જ્યારે રાજીવ ગાંધી પીએમ હતા, ત્યારે તેમણે NRCમાં સમજૂતી કરી અને પછી SCને પણ આ જ બતાવ્યું. મોદીએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ચર્ચા વગર આને લાગુ ના કરી શકાય.

દેવેંદ્ર ફડણવીસે શિવસેના પર નિશાન સાધતા કહ્યું, કાલ સુધી શિવસેના પણ કહી રહી હતી કે બાંગ્લાદેશીઓને બહાર કાઢવામાં આવે, પરંતુ સત્તાની લાલચમાં શિવસેના મૂંગી બની ગઈ છે. સત્તા આવશે અને જશે, પરંતુ રાષ્ટ્ર રહેવું જોઇએ. અમે સત્તાની ખુરશીને લાત મારી દઇશું, પરંતુ પોતાના રાષ્ટ્ર સાથે ક્યારેય સમજૂતી નહીં કરીએ.