નવી દિલ્હીઃ એનપીઆરને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભાજપે શુક્રવારે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, એનપીઆરમાં ટેક્સ ક્યાંથી આવ્યો. એનપીઆર તો વસ્તીગણતરી રજિસ્ટર છે. જાવડેકરે કહ્યું કે, ભ્રષ્ટાચાર કોગ્રેસની રાજનીતિનું એકમાત્ર આધાર છે. એવામાં જે જે ચીજોમાં ભ્રષ્ટાચાર ખત્મ થાય છે તેનો કોગ્રેસ વિરોધ કરતી રહે છે.


કેન્દ્રિય મંત્રીએ કહ્યુ કે ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરોને સંરક્ષણ આપવી કોગ્રેસનું કામ છે. તેમને મતબેન્કની નજરથી કોગ્રેસે જોયા છે. અમે કોગ્રેસને પૂછવા માંગીએ છીએ કે તમારું કલ્ચર છે. તમામ ચીજમાં ભ્રષ્ટાચાર થાય એ તેમનું મોડલ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, એનપીઆરથી ગરીબની ઓળખ થાય છે. અગાઉ રાજ્યોએ તેના ડેટાનો ઉપયોગ કર્યો છે. હવે એ 2020માં થઇ રહ્યું છે. તેનાથી લાભાર્થીઓની ઓળખ થશે. એનપીઆર અને આધાર બંન્ને તેમાં ખૂબ મહત્વપૂર્ણ છે.

આ અગાઉ કોગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ એનઆરસી અને એનપીઆરને હિંદુસ્તાનની ગરીબ પ્રજા પર લગાવાયેલો ટેક્સ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, એનઆરસી હોય કે એનપીઆર હોય આ હિંદુસ્તાનના ગરીબ લોકો પર એક ટેક્સ છે.  જે રીતે નોટબંધી હિંદુસ્તાનના ગરીબ લોકો માટે એક ટેક્સ હતો. બેન્કમાં જાઓ, પૈસા આપો, પોતાના એકાઉન્ટમાંથી પૈસા ન કાઢો અને બધા રૂપિયા 15થી20 લોકોને આપી દેવામાં આવે. આ પણ બિલકુલ એવી જ ચીજ છે.