CAA વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનો પર સોનિયા ગાંધીએ કહ્યુ- લોકોનો અવાજ દબાવી રહી છે BJP
abpasmita.in | 20 Dec 2019 10:21 PM (IST)
સોનિયા ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકાર દેશભરમાં વિદ્યાર્થીઓ અને પ્રજા તરફથી થઇ રહેલા પ્રદર્શન જે રીતે દબાવી રહી છે તેને લઇને કોગ્રેસ પાર્ટી ચિંતિત છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં થઇ રહેલા વિરોધ વચ્ચે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ જાહેર કરી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં લોકોને સરકારની ખોટી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર છે પરંતુ સરકાર તેમની ઉપેક્ષા કરી રહી છે અને ક્રૂરતાપૂર્વક દબાવી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકાર દેશભરમાં વિદ્યાર્થીઓ અને પ્રજા તરફથી થઇ રહેલા પ્રદર્શન જે રીતે દબાવી રહી છે તેને લઇને કોગ્રેસ પાર્ટી ચિંતિત છે. દેશભરની યુનિવર્સિટીઓ, આઇઆઇટી, આઇઆઇએમ અને અન્ય શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ભાજપ સરકારની વિભાજનકારી અને જનવિરોધી નીતિઓ વિરુદ્ધ સ્વયં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકતંત્રમાં લોકોને ખોટા નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને ચિંતા પ્રગટ કરવાનો હક છે. સરકારની જવાબદારી છે કે તે લોકોની વાતો સાંભળે અને તેમની ચિંતાઓ દૂર કરે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, સરકાર વિરોધીઓનો અવાજ દબાવવા માટે બળનો ઉપયોગ કરી રહી છે. આ લોકતંત્રમાં અસ્વીકાર્ય છે. કોગ્રેસ પાર્ટી ભાજપ સરકારના એક્શની નિંદા કરે છે. પાર્ટી વિદ્યાર્થીઓ અને જનતાના સંઘર્ષમાં તેમની સાથે છે. તેમણે કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદો ભેદભાવપૂર્ણ છે અને પ્રસ્તાવિત એનઆરસી ગરીબોને ઠેસ પહોંચાડશે. નોટબંધીની જેમ લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનોમાં ઉભા રહેવું પડશે. લોકોનો ડર વાસ્તવિક છે.