પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના પુત્ર રણઈન્દરસિંહે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે આ મુલાકાત સારી રહી છે. આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્ય અને દેશની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો. અમારા બંને માટે આ હંમેશાથી મુખ્ય વિષય રહ્યો છે અને આગળ પણ રહેશે. ચર્ચા એ પણ છે કે કેપ્ટન અમરિંદર સિંહની મોદી સાથેની આ મુલાકાત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં મર્જ કરવા માટેની હતી.
આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ પંજાબની તમામ સીટો પર એકલા હાથે પોતાના સિમ્બોલ પર લડવાની તૈયારી કરી રહ્યું છે. જેથી પંજાબમાં કેપ્ટનની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. કેપ્ટનને પંજાબની ચૂંટણીનાં 3 મહીના પહેલા જ કૉંગ્રેસે મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે ગયા હતા. જો કે તેઓ કોઈ કમાલ કરી શક્યા નહોતા. ભાજપને 117માંથી માત્ર 2 બેઠકો મળી હતી. જ્યારે, કેપ્ટનને તેના જ ગઢ પટિયાલામાંથી હાર મળી હતી. હવે લોકસભાની ચૂંટણી બાબતે ભાજપ ફરી કેપ્ટન પર દાવ લગાવશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ
સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર લોરેંસના ભાણિયા સચિન થાપનની પોલીસે અઝરબૈજાનથી ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલનું લોકેશન પણ કેન્યામાંથી મળ્યું છે. આ બન્ને મૂસેવાલાની હત્યા પહેલાં જ નકલી પાસપોર્ટ પર ભારત છોડી ભાગ્યા હતા. જેની જાણ થતાં જ પંજાબ પોલીસે વિદેશ મંત્રાલય સાથે મળીને સચિનને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
સચિન થાપન ગેંગસ્ટર લોરેન્સનો ભાણિયો છે. માહિતી પ્રમાણે હત્યા બાદ સચિન નકલી પાસપોર્ટની મદદથી અઝરબૈજાન પહોંચ્યો હતો. પરંતુ ત્યાં તેની ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી એક મહિના પહેલાં થઈ હતી. આ જાણકારી થોડા દિવસ પહેલાં વિદેશ મંત્રાલયને અપાઈ. જે બાદ વિદેશ મત્રાલયે પંજાબ પોલીસ પાસે સચિન થાપનનો ક્રિમિનલ રેકોર્ડ માગ્યો હતો. તો મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર તિહાર જેલમાં બેસીને લોરેન્સે રચ્યું હતું. ત્યાર પછી અનમોલ અને સચિને કેનેડા બેઠા બેઠા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ સાથે મળીને સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો. તેમણે મૂસેવાલાની રેકી પણ કરાવી હતી. પછી શૂટર્સે અંજામ આપ્યો હતો. લોરેન્સ ઈચ્છતો હતો કે હત્યામાં તેનું નામ ન આવે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ અઠવાડિયે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની 1850 પાનાની ચાર્જશીટ મુજબ, હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારે હત્યાના શાર્પશૂટર્સને જાણ કરી હતી તેના એક દિવસ પહેલા જ પંજાબ સરકારે ગાયક મુસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. 122 સાક્ષીઓની આ પ્રથમ ચાર્જશીટ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જગદીપ સિંહ ઉર્ફે જગ્ગુ ભગવાનપુરિયા, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ, લિપિન નેહરા અને ગોલ્ડી બ્રાર સહિત 34 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.