ફતેહગઢ: પંજાબના સંગરૂરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન અને પાર્ટીના કાર્યકર્તાઓ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. પંજાબ પોલીસે તેમના પર કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે બસ્સી પઠાનમાં એક રેલી દરમિયાન તેમણે મીડિયા કર્મચારી સાથે ખરાબ વર્તન કર્યું હતું.
ફતેહગઢ સાહેબના વરિષ્ઠ પોલીસ અધિકારી એચ એસ ભુલ્લરે કહ્યું કે ડીએસપીનો રિર્પોટ મળ્યા બાદ તપાસ સોંપાઈ હતી, અને આ મામલે કાનૂની તપાસ બાદ ભગવંત માન અને તેમની પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભગવંત માનની વિરૂધ્ધ પત્રકાર રંજદોહ સિંહ અને અન્ય મીડિયાકર્મચારીઓના નિવેદન પર આઈપીસીની જુદી જુદી કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ઘણી બધી કલમો જુદા જુદા સમુહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે જોડાયેલી છે.
મીડિયા કર્મચારીઓએ કાલે ભગવંત માનની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે બસ્સી પઠાનામાં એક રેલીમાં ભગવંત માન અને તેના સર્મથકોએ સાથે મળી મીડિયાકર્મચારીની સાથે ખરાબ વર્તન કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.