જયપુરઃ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે મંગળવારે કોરોનિલ દવા લોન્ચ કરીને કોરોના વાયરસની દવા શોધી લીધી હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ દવાનું વેચાણ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આયુષ મંત્રાલયે દવાના વેચાણ, પ્રચાર-પ્રસાર પર રોક લગાવી દીધી હતી.


જયપુરના એસીપી અશોક ગુપ્તાએ કહ્યું, "એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ તથા અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ તેમની સામે મામલો નોંધવામાં આવ્યો છે. અમને કોઈપણ જાતના પરીક્ષણ વગર કથિત રીતે કોરોના વાયરસની દવા વિકસિત કરવાના દાવા માટે બાબા રામદેવ સામે અનેક ફરિયાદો મળી હતી."


આ પહેલા 26 જૂને રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે પતંજલિની દવા કોરોનિલને લઈ જયપુરની એનઆઈએમએસ હોસ્પિટલને એક નોટિસ મોકલી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નોટિસમાં હોસ્પિટલ તંત્ર પાસેથી કોરોના વાયરસના દર્દીઓ પર પતંજલિની દવાનું ટ્રાયલ કરવાનું સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

રાજસ્થાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી કોરોનિલને આયુષ મંત્રાલય તરફથી મંજૂરી નહીં મળી જાય ત્યાં સુધી રાજ્યમાં દવા તરીકે ઉપયોગ નહીં કરી શકાય.

કોરોનિલ લોન્ચ કરતી વખતે પતંજલિના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે, કોરોના કિટની કિંમત માત્ર 545 રૂપિયા છે. આ કિટ 30 દિવસ માટે છે. દવાને વધુ અસરકારક બનાવવા માટે કેટલાક મિનરલ્સ ઉમેરવામાં આવ્યા છે.