વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, લોકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલોક દરમિયાન રાખવાની છે. આ વાતને હંમેશા યાદ રાખો કે જો તમે માસ્ક પહેરતા નથી અને બે ગજનું અંતર રાખતા નથી અને અન્ય સાવચેતીઓ રાખતા નથી તો તમે પોતાની સાથે સાથે અન્યને પણ જોખમમાં મુકો છો.
તેમણે કહ્યું કે, કોઇ પણ મિશન જન-ભાગીદારી વિના પુરું થઇ શકે નહીં. એટલા માટે આત્મનિર્ભર ભારતની દિશામાં એક નાગરિક તરીકે આપણા તમામનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખૂબ જરૂરી છે. તમે લોકલ ખરીદો, લોકલ માટે વોકલ હશો તો એ પણ એક રીતે દેશની સેવા જ છે.
મોદીએ કહ્યુ કે, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે બિહારના રહેવાસી શહીદ કુંદન કુમારના પિતાજીના શબ્દો તો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા તે પોતાના પૌત્રને પણ દેશની સેવા માટે સૈન્યમાં મોકલીશ. આ હિંમત તમામ શહીદના પરિવારજનોની છે. વાસ્તવમાં આ પરિવારજનોનો ત્યાગ પૂજનીય છે. દેશ આત્મનિર્ભર બને તે આપણા શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે.
મોદીએ કહ્યું કે થોડા દિવસ અગાઉ દેશના પૂર્વીય ભાગમાં Cyclone Amphan આવ્યું તો પશ્વિમ ભાગમાં Cyclone Nisarg આવ્યું. કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઇઓ-બહેનો તીડના હુમલાથી પરેશાન છે. તો દેશના અનેક હિસ્સામાં ભૂકંપ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્ધારા જે થઇ રહ્યું છે તેની સામે પણ દેશ લડી રહ્યો છે. આ વર્ષે દેશ નવા લક્ષ્યો પ્રાપ્ત કરશે. નવી ઉડાણ ભરશે, નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે. મને 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે. આ દેશની મહાન પરંપરા પર પણ વિશ્વાસ છે.