Cash-For-Query Case:  કેશ ફોર ક્વેરી કેસમાં મમતા બેનર્જીના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ અંગે લોકસભામાંથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મહુઆ મોઇત્રાને હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો.આ કાર્યવાહીનો વિરોધ કરતા સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. મહુઆ મોઇત્રાના સમર્થનમાં વિપક્ષના તમામ સાંસદો સંસદ ભવન બહાર આવ્યા હતા. આમાં સોનિયા ગાંધી પણ સામેલ હતા.




આ પહેલા લોકસભાની એથિક્સ કમિટીના રિપોર્ટ પર અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોઇત્રાને બોલવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે મહુઆ મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. વિપક્ષી સાંસદોએ મહુઆ મોઇત્રાને બોલવા દેવાની માંગ કરી હતી.


મહુઆ મોઇત્રાએ શું કહ્યું ?


સંસદ સભ્યપદ રદ કરવા પર મહુઆ મોઇત્રાએ કહ્યું કે મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો જેના કારણે મને સંસદના સભ્યપદેથી બરતરફ કરવામાં આવી છે. એથિક્સ કમિટી સમક્ષ મારી સામે કોઈ મુદ્દો નહોતો, કોઈ પુરાવા નહોતા. તેમની પાસે એક જ મુદ્દો હતો કે મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.


કોંગ્રેસે નિશાન સાધ્યું


કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ એથિક્સ કમિટીના રિપોર્ટ પર લોકસભામાં 'ઉતાવળમાં' ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીએ કહ્યું કે આ 'પ્રાકૃતિક ન્યાય'ના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. જો સભ્યોને અહેવાલ વાંચવા માટે ત્રણ-ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હોત તો શુ ખોટુ હતું. 



TMCએ શું કહ્યું ?


લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ નિયમો અને બંધારણની વિરુદ્ધ થઈ રહ્યું છે. મહુઆ મોઇત્રાને બોલવાની તક આપવી જોઈએ. જ્યારે ભાજપના સાંસદોએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે.


બીજેપી સાંસદ અપરાજિતા સારંગીએ લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે વિપક્ષનો પ્રશ્ન એ છે કે તેણે (મહુઆ મોઇત્રા) જે કર્યું તે સાચું હતું કે ખોટું. ત્રણ બેઠકો થઈ અને મહુઆ મોઈત્રાને સમય આપવામાં આવ્યો. મીટિંગ દરમિયાન મોઇત્રાએ ગેરવર્તન કર્યું હતું.


સમિતિની ભલામણ 


ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરની આગેવાની હેઠળની એથિક્સ કમિટીએ 9 નવેમ્બરે તેની બેઠકમાં 'પૈસા લેવા અને ગૃહમાં પ્રશ્નો પૂછવાના' આરોપમાં મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરતો અહેવાલ સ્વીકાર્યો હતો. સમિતિના છ સભ્યોએ અહેવાલની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ પ્રનીત કૌરનો પણ સમાવેશ થાય છે. સમિતિના ચાર વિપક્ષી સભ્યોએ અહેવાલ પર અસંમતિ દર્શાવી હતી.