CBIએ આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાની ચાર્જશીટમાં 200 લોકોના નિવેદનો છે. મહત્વની વાત એ છે કે તે માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત કરે છે. ચાર્જશીટમાં ગેંગ રેપનો કોઈ ઉલ્લેખ નથી.
અગાઉ જ્યારે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી ત્યારે ઘણી બાબતો સામે આવી હતી. ઘણા નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે ટ્રેઈની ડૉક્ટરના બળાત્કારમાં એકથી વધુ લોકો સામેલ હતા. તેને બચાવવા માટે હોસ્પિટલ પ્રશાસને ખોટું બોલ્યું અને ઘટના સમયે સંજય રોય એકલો ન હતો.
આરજી કર હોસ્પિટલમાં શું થયું ?
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર તેની નાઇટ શિફ્ટ દરમિયાન બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આરોપી પશ્ચિમ બંગાળ પોલીસનો સ્વયંસેવક હતો, જે હોસ્પિટલમાં આવતો-જતો રહેતો હતો. ઘટનાના દિવસે તે નશાની હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો. અગાઉ તે રેડ લાઈટ એરિયામાં પણ ગયો હતો. હોસ્પિટલમાં તેણે સેમિનાર હોલમાં દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જઈને સૂઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
જુનિયર ડોકટરોના આમરણાંત ઉપવાસ ચાલુ છે
મહિલા તબીબના મોત બાદ તેના સાથીદારો હડતાળ પર બેસી ગયા હતા. દરમિયાન કેટલાક તોફાની તત્વોએ આવીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ પછી દેશભરના ડોક્ટરો પોતાની સુરક્ષાના ડરથી રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડ્યો હતો. જો કે હવે જુનિયર ડોકટરો ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. શનિવાર સાંજથી છ જુનિયર ડોકટરો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે અને બાદમાં અન્ય ડોકટર પણ તેમની સાથે જોડાયા છે. 'પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોના સંયુક્ત પ્લેટફોર્મ'ના છ સભ્યો જુનિયર ડૉક્ટરો સાથે એકતામાં ઉપવાસમાં જોડાવાનું વિચારી રહ્યા છે.
શું છે ડોકટરોની માંગ ?
વિરોધ કરી રહેલા ડૉકટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મૃત મહિલા ડોકટરને ન્યાય સુનિશ્ચિત કરવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કથિત વહીવટી બિનકાર્યક્ષમતા અને વિભાગમાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી માટે જવાબદારી નક્કી કરવા સાથે આરોગ્ય સચિવ એનએસ નિગમને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી છે. તેમની અન્ય માંગણીઓમાં રાજ્યની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં સેન્ટ્રલાઈઝ રેફરલ સિસ્ટમ લાવવી, હોસ્પિટલોમાં ડિજિટલ બેડ વેકેન્સી મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવી અને કાર્યસ્થળો પર સીસીટીવી, ઓન-કોલ રૂમ અને શૌચાલય માટે જરૂરી જોગવાઈઓ સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની રચનાનો સમાવેશ થાય છે. તેઓ હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવા, કાયમી મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી અને ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય સંભાળ કાર્યકરોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની પણ માંગ કરી રહ્યા છે.