Meghalaya : CBI મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે. કેન્દ્ર સરકારે CBIને તપાસ માટે મંજૂરી આપી છે. આ મામલો જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.
CBI જમ્મુ અને કાશ્મીર સરકારી કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજના માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારની તપાસ કરશે. CBI કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ ખાનગી પેઢીને આપવામાં ભ્રષ્ટાચારની પણ તપાસ કરી શકે છે.
300 કરોડની લાંચની ઓફર
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે હાલમાં જ દાવો કર્યો હતો કે RSS નેતા અને અંબાણીની ફાઈલો ક્લિયર કરવાના બદલામાં તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી.
રાજ્યપાલે પોતે જ આ સોદો રદ્દ કર્યો હતો
હવે સરકારે આ આરોપોની CBI દ્વારા તપાસ કરાવવા માટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. સત્યપાલ મલિકે કહ્યું કે તેમને ફાઇલ ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ડીલ રદ્દ કરી દીધી હતી. જો કે આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું.
ઑક્ટોબર 2018માં જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે ગેરરીતિની શંકાના આધારે કર્મચારીઓ માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે જૂથ આરોગ્ય વીમા કરાર રદ્દ કર્યો હતો. તે જ સમયે બે દિવસ પછી રાજ્યપાલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથેના કરારને બંધ કરવાની મંજૂરી આપી અને સમગ્ર પ્રક્રિયાની તપાસ માટે મામલો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને મોકલ્યો હતો.