નવી દિલ્લીઃ CBSE બોર્ડે ધોરણ-10ની અંગ્રેજીની પરીક્ષામાં પૂછેલા એક પ્રશ્નને લઈને વિવાદ થયા પછી પોતાની ભૂલ સ્વીકારી છે. તેમજ આ વિવાદિત પ્રશ્નના પૂરા માર્ક્સ આપવાની જાહેરાત પણ કરી છે. સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન અને પ્રિયંકા-રાહુલ ગાંધીના નિવેદન બાદ CBSE બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી છે. બોર્ડે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે ,૧૧ ડિસેમ્બરે યોજાયેલી ૧૦મી અંગ્રેજી પરીક્ષામાં પૂછાયેલા પેસેજ બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. આ કિસ્સામાં બોર્ડ તમામ વિદ્યાર્થીઓને વિવાદીત સવાલનો પૂરા માર્ક્સ આપશે. 






બોર્ડે જણાવ્યું હતું કે હિતધારકોના ફીડબેક પછી આ પ્રશ્ન વિષય નિષ્ણાત સમિતિને મોકલાયો હતો. સમિતિએ તેના પર વિચાર કર્યા બાદ શોધી કાઢ્યું હતું કે આ પ્રશ્ન બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. આ કિસ્સામાં બોર્ડ તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર શ્રેણી જેએસકે/1 માટે સંપૂર્ણ નંબર આપશે.


ગત શનિવારે લેવાયેલી CBSE બોર્ડની ૧૦મા ધોરણની પરીક્ષામાં અંગ્રેજીના પેપરમાં સવાલ પૂછાયો હતો કે ઘરોમાં પત્નીઓને અપાયેલ વધુ અધિકારોને કારણે બાળકો બગડવા લાગ્યા છે. ઉપરાંત અનેક મહિલા વિરોધી વિવાદાસ્પદ શરતોનો ઉપયોગ કરાયો હતો. જેને કારણે લોકો સોશિયલ મીડિયા પર પેપરના સ્ક્રીનશોટ શેર કરીને બોર્ડની ટીકા કરી રહ્યા છે. ઘણા યૂઝર્સ બોર્ડને માફી માંગવાની અપીલ કરી હતી. 


પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ બોર્ડને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું અને બોર્ડ તેમજ ભાજપ-આરએસએસ પર નિશાન તાક્યું હતું. ચાલુ પરીક્ષાઓમાં આ બીજો કિસ્સો છે જ્યારે સીબીએસઈ બોર્ડને પ્રશ્નપત્રમાં વાંધાજનક પ્રશ્નો પૂછવા બદલ ટ્રોલ કરવામાં આવ્યું હોય.