નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ધો.10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.


શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ કોરોના વાયરસ સંક્રમણને લઈ સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.



પહેલા ક્યારે યોજાવાની હતી પરીક્ષા


સીબીએસઈએ પહેલા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ ચોથી મેથી 10 જૂન સુધી યોજાવાની હતી.. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી યોજાવાની હતી. પરીક્ષા ઓફલાઈન યોજાવાની તૈયારી કરવામાં આવી હતી અને પેપરમાં 33% ઈન્ટરનલ ચોઈસ આપવાની હતી. પરીક્ષાનો સિલેબસ પણ 30% જ કરવામાં આવ્યો હતો.


આ રાજ્યોમાં સ્કૂલો છે બંધ



  • યૂપીમાં ધો.1 થી 12 સુધીની તમામ સ્કૂલ કોલેજો 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

  • રાજધાની દિલ્હીમાં પણ તમામ સરકારી અને ખાનગી સ્કૂલોને આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

  • હિમાચલ પ્રદેશમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 21 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ અપાયો છે.

  • મધ્યપ્રદેશમાં ધો 1 થી 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 15 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ છે. આ ઉપરાંત સાત જિલ્લામાં 12માં ધોરણ સુધીની સ્કૂલો બંધ કરી દેવાઈ છે. મધ્યપ્રદેશમાં બોર્ડ પરીક્ષા ટાળવામાં આવી શકે છે.

  • મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ કહ્યું, રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ અમે ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા પાછળ ઠેલી છે. ધો. 12ની પરીક્ષા મેના અંતમાં યોજાશે, જ્યારે ધો. 10ની પરીક્ષા જૂનમાં યોજાશે. હાલ રાજ્યમાં શિક્ષણ કાર્ય ઠપ છે.

  • તમિલનાડુએ ધો. 1 થી 9ના સ્કૂલોને બંધ કરી દીધી છે. છત્તીસગઢમાં 22 માર્ચથી સ્કૂલો બંધ છે અને ક્યારે ખૂલશે તે સ્પષ્ટ નથી.

  • જમ્મુમાં 5 એપ્રિલથી ધો 1 થી 9 સુધીની તમામ સ્કૂલો બે સપ્તાહ બંધ કરી દેવામાં આવી છે. જોકે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા આયોજિત કરાશે.

  • પુડ્ડુચેરીમાં ધો. 1 થી 8 ના વર્ગો  માર્ચથી બંધ છે.

  • બિહારમાં તમામ સરકારી, ખાનગી સ્કૂલ, કોલેજ ઈન્સ્ટિટ્યૂટ 18 એપ્રિલ સુધી બંધ છે. આ ઉપરાંત મિઝોરમમાં આઠમાં ધોરણ સુધીના વર્ગો બંધ છે.

  • રાજસ્થાનમાં ધો 1 થી 9 સુધીના વર્ગો 19 એપ્રિલ સુધી બંધ છે.

  • હરિયાણામાં પણ 30 એપ્રિલ સુધી સ્કૂલોને બંધ કરવામાં આવી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI