નવી દિલ્હીઃ દેશમાં છોકરીઓ વિરુદ્ધ રેપની ઘટનાઓ વધી રહી છે. હરિયાણાના રેવાડીમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિદ્યાર્થીની પર ગેંગરેપની ઘટના ઘટી છે. વિદ્યાર્થીની જ્યારે કોચિંગથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને બાદમાં તેના પર ગેંગરેપ ગુજારાયો હતો. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસના મતે યુવકી રેલવેની એક્ઝામની તૈયારી કરી રહી છે. આ માટે તે મહેન્દ્રગઢના કનિનામાં કોચિંગ કરી રહી છે. કોચિંગથી પાછા ફરતા સમયે ત્રણ યુવકોએ તેનું અપહરણ કરી લીધું અને નશીલા પદાર્થ પીવડાવીને તેના પર રેપ ગુજાર્યો હતો.
બીજી તરફ પીડિતાની માતાએ પોલીસ પર આ મામલે યોગ્ય તપાસ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે ગુરુવારે કેટલાક લોકોએ મારી દીકરીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કર્યો પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. સીબીએસઇ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મારી દીકરીને સન્માનિત કરી હતી. મોદીજી કહે છે કે બેટી પઢાઓ, બેટી બચાઓ પરંતુ હવે હું મારી દીકરી માટે ન્યાય માંગી રહી છું.