Operation Sindoor: સીડીએસ જનરલ અનિલ ચૌહાણ સોમવારે સુરતગઢ અને નલિયા મિલિટરી બેઝ પર પહોંચ્યા હતા. આ આર્મી  બેઝને પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બંને આર્મી બેઝની મુલાકાત લીધી હતી અને સૈનિકોની ઉચ્ચ સ્તરની તૈયારીની પ્રશંસા કરી હતી. જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચેના સંકલનની પણ પ્રશંસા કરી હતી.

Continues below advertisement






સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીડીએસે સૈનિકોએ હંમેશા નિર્ણાયક શક્તિ સાથે કોઈપણ પડકારનો જવાબ આપવા માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોનું મનોબળ વધારવા માટે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુરતગઢ આર્મી બેઝ અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.






જનરલ ચૌહાણે સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને ઓપરેશનલ તૈયારીઓ પર પણ ભાર મૂક્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે લશ્કરી કર્મચારીઓની ઓપરેશનલ તૈયારી અને ઉચ્ચ મનોબળની પ્રશંસા કરી હતી. તેમણે ભવિષ્યના જોખમોનો અસરકારક રીતે જવાબ આપવાની તેમની ક્ષમતા પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સીડીએસની સાથે સાઉથ વેસ્ટર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ મનજિન્દર સિંહ અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂર પણ હતા.


મંત્રાલયે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકો દ્વારા દર્શાવવામાં આવેલી અનુકરણીય હિંમત પર ગર્વની ભાવના છે. જનરલ ચૌહાણને ઓપરેશન માટે તૈનાત મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે સીડીએસે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકોની અસાધારણ બહાદુરીની પ્રશંસા કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાતે સશસ્ત્ર દળો પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતાની પુષ્ટી કરી અને એકતા, તૈયારી અને અતૂટ રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના સંદેશને મજબૂત બનાવ્યો હતો.